બોલિવૂડ રિપોર્ટ કાર્ડ ૨૦૨૬ ‘ધુરંધર ૨’એ આખા બોલિવૂડ કરતાં વધુ કમાણી કરી ૨૦૨૬નાં પ્રથમ છ મહિનામાં આવેલી ૧૦૫ હિન્દી ફિલ્મોએ ભારતમાં ૨૪૩૬ કરોડની કમાણી કરી ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડલ્ટ્રી માટે સૌથી મોટી ચર્ચાનો વિષય રહી રણવીર સિંહની ‘ધુરંધર ૨: ધ રિવેન્જ’. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવા રેકોર્ડ બનાવ્યા કે આખા બોલિવૂડની કમાણીમાં તેનો હિસ્સો અડધાથી પણ વધુ રહ્યો છે. એટલું જ નહીં, ફિલ્મે ભારત અને વિદેશમાં મળીને બાકીની ૧૦૪ હિન્દી ફિલ્મોની કુલ કમાણી કરતાં પણ વધુ આવક નોંધાવી છે.૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં કુલ ૧૦૫ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. આ તમામ ફિલ્મોએ મળીને ભારતમાં ૨૪૩૬ કરોડની કુલ કમાણી કરી છે, એટલે કે સરેરાશ પ્રતિ ફિલ્મ ૨૩ કરોડની કમાણી થઈ હતી. તેમાં માત્ર ‘ધુરંધર ૨’એ જ ૧૧૪૯ કરોડની કમાણી કરી હતી, જે કુલ કમાણીના લગભગ ૪૭ ટકા જેટલી છે. જાે આ ફિલ્મના આંકડા કાઢી નાખવામાં આવે તો બાકીની ફિલ્મોની સરેરાશ કમાણી માત્ર ૧૨ કરોડ રહે છે. વિદેશી બજારમાં પણ ફિલ્મે જાેરદાર પ્રદર્શન કર્યું હતું. ખાડી દેશો અને પાકિસ્તાનમાં રિલીઝ ન થઈ હોવા છતાં ફિલ્મે ભારત બહાર ૪૬ મિલિયન ડૉલરની કમાણી કરી, જે ૨૦૨૬માં હિન્દી ફિલ્મોની કુલ ઓવરસીઝ કમાણીના લગભગ ૬૦ ટકા જેટલી છે. ટ્રેડ નિષ્ણાતોના અંદાજ મુજબ, ૨૦૨૬નાં પ્રથમ છ મહિનામાં ભારતમાં હિન્દી ફિલ્મોની આશરે ૧૧ કરોડ ટિકિટ વેચાઈ હતી. તેમાંથી લગભગ ૫ કરોડ ટિકિટો માત્ર ‘ધુરંધર ૨’ માટે વેચાઈ હતી. આ પ્રકારનું પ્રભુત્વ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં ભાગ્યે જ જાેવા મળ્યું છે.વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે ૧૮૧૩ કરોડની અંદાજિત કમાણી કરી અને ભારતમાં કુલ ૧૦૦૦ કરોડ કમાણી કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની હતી. રસપ્રદ વાત એ છે કે વર્ષનાં પહેલાં છ મહિનામાં રિલીઝ થયેલી બાકીની ૧૦૪ ફિલ્મોની કુલ વૈશ્વિક કમાણી ૧૭૮૯ કરોડ રહી, જે ‘ધુરંધર ૨’ કરતાં ૨૪ કરોડ ઓછી છે.૨૦૨૬નાં પહેલાં છ મહિનામાં હિન્દી સિનેમા માટે વર્ડ ઑફ માઉથ (મૌખિક પ્રસિદ્ધિ)નું પુનરાગમન બીજી મહત્વની બાબત રહી છે. કોરોના મહામારી બાદ મોટાભાગની ફિલ્મોની સફળતા શરૂઆતના સપ્તાહના બોક્સ ઓફિસ પર ર્નિભર રહી હતી.પરંતુ ઇમ્તિયાઝ અલીની ‘મૈં વાપસ આઉંગા’એ આ પ્રવાહ બદલ્યો છે. ફિલ્મે પ્રથમ દિવસે માત્ર ૧ કરોડથી થોડું વધુનું કલેક્શન કર્યું હોવા છતાં સકારાત્મક પ્રતિસાદના આધારે વિશ્વભરમાં લગભગ ૧૦૦ કરોડની કમાણી તરફ સફળ સફર કરી હતી. ૨૦૨૬ની અત્યાર સુધીની ટોચની ૧૦ સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોમાં બે કોમેડી, એક રોમેન્ટિક ડ્રામા અને બે રોમેન્ટિક કોમેડીનો સમાવેશ થાય છે. એ દર્શાવે છે કે દર્શકો ફરીથી હળવી અને મનોરંજક ફિલ્મો તરફ આકર્ષાઈ રહ્યાં છે.‘ભૂત બંગલા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ની સફળતા બાદ ‘કોકટેલ ૨’એ નકારાત્મક પ્રતિસાદ છતાં વર્લ્ડવાઇડ ૧૪૦ કરોડથી વધુની કમાણી કરી છે. ઉપરાંત ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અને ‘પતિ પત્ની ઔર વો દો’એ અનુક્રમે ૭૬ કરોડ અને ૬૮ કરોડની વૈશ્વિક કમાણી નોંધાવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે જાે બોલિવૂડ ગુણવત્તાસભર રોમેન્ટિક અને કોમેડી ફિલ્મો રજૂ કરે તો દર્શકો આજે પણ આવી ફિલ્મોને ઉત્સાહપૂર્વક સ્વીકારવા તૈયાર છે.





