ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો ‘ધમાલ ૪’માં સતીશ કૌશિકની સરપ્રાઇઝે દર્શકોને ભાવુક કર્યા સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની નવી ફિલ્મ ‘ધમાલ ૪’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆતથી જ નિર્માતાઓએ દર્શકોને એક ખાસ સરપ્રાઇઝ આપ્યું છે. સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે. ‘ડબલ ધમાલ’માં આ પાત્રે દર્શકોને ખૂબ હસાવ્યાં હતાં અને હવે ફિલ્મની શરૂઆતમાં એનિમેટેડ સીક્વન્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ માટે ફિલ્મના ઓપનિંગ ક્રેડિટ્સમાં તેમના પત્ની શશી કૌશિકનો ખાસ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.ફિલ્મમાં વધુ એક રસપ્રદ સરપ્રાઇઝ તરીકે ‘પૈસા લાઓ’ ગીત રજૂ કરવામાં આવ્યું છે, જે ઇટાલિયન લોકપ્રિય ગીત ‘બેલા ચાઓ’નું રિક્રિએટેડ વર્ઝન છે. ‘મની હાઈસ્ટ’ વેબ સિરીઝ બાદ વિશ્વભરમાં લોકપ્રિય બનેલા આ ગીતને તનિષ્ક બાગચીએ રીક્રિએટ કર્યું છે અને નીરજ શ્રીધરે અવાજ આપ્યો છે. બીજી તરફ ફિલ્મના અંતે આગામી ભાગ ‘ધમાલ ૫’ની પણ જાહેરાત કરવામાં આવી છે.ફિલ્મમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી અને સંજય મિશ્રા ઉપરાંત ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ મહત્વના રોલમાં જાેવા મળે છે. ઇન્દ્ર કુમારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે.ઘણા દર્શકોએ ફિલ્મને પારિવારિક મનોરંજનથી ભરપુર ગણાવી છે. કેટલાકે તેને ‘લાફ રાયટ’, ‘પૈસા વસૂલ’ અને સંપૂર્ણ પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ ગણાવી છે. ખાસ કરીને અજય, રિતેશ, અર્શદ અને જાવેદ જાફરીની કોમિક ટાઈમિંગ તેમજ ફિલ્મનાં પ્રથમ ભાગના વખામ થઈ રહ્યા છે. કેટલાક દર્શકોએ ફિલ્મને ‘ટોટલ ધમાલ’ કરતાં વધુ સારી ગણાવી છે.જાેકે બીજી તરફ ફિલ્મની સ્ક્રિપ્ટ, બીજા ભાગની ગતિ, વીએફએક્સ અને એઆઈથી બનાવાયેલા સીનની પણ ભારે ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક દર્શકોએ લખ્યું છે કે ફિલ્મનો પહેલો ભાગ મજા કરાવે છે, પરંતુ ઇન્ટરવલ બાદ વાર્તા નબળી પડી જાય છે. અનેક લોકોએ એઆઈ શોટ્સને ‘સસ્તા’ અને ‘આંખોને ખટકે એવા’ ગણાવ્યાં છે, જ્યારે કેટલાકે કહ્યું કે ફિલ્મમાં ઘણા જાેક્સ અસરકારક હોવા છતાં કેટલાંક સીન બળજબરીથી ઉમેરાયેલા લાગે છે.ફિલ્મ સમીક્ષકોના મતે ‘ધમાલ ૪’માં કંઈ જ નવું નથી. ફિલ્મની વાર્તા અને કોમેડી બંનેમાં જુની ફોર્મ્યુલા જ ફરી ઉપયોગમાં લેવાઈ છે. ફિલ્મના ગીતોમાં પણ ‘ગુલાબી સાડી’ અને ‘ગિલોરી બિના ચટણી’ જેવા રિક્રિએટેડ ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એક્ટિંગ માટે પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રિતેશ દેશમુખ સૌથી વધુ પ્રભાવિત કરે છે, જ્યારે અજય દેવગન થોડો નિરસ દેખાય છે. અર્શદ વારસી અને જાવેદ જાફરી તેમની જુની જાદુઈ કેમિસ્ટ્રી ફરી ઉભી કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે અંજલી આનંદ અને સંજીદા શેખને પણ ખાસ અસરકારક પાત્રો મળ્યા નથી.એકંદરે, ‘ધમાલ ૪’ દર્શકો માટે હાસ્ય, નોસ્ટેલ્જિયા અને ભાવનાત્મક સરપ્રાઇઝનું મિશ્રણ લઈને આવી છે. સતીશ કૌશિકને અપાયેલી શ્રદ્ધાંજલિ અને ‘ધમાલ ૫’ની જાહેરાત ફિલ્મના સૌથી યાદગાર પાસાં બની રહ્યા છે, જ્યારે ફિલ્મની કોમેડી, લેખન અને ટેન્કિકલ પાસાંને લઈને દર્શકોમાં મતભેદ જાેવા મળી રહ્યાં છે.





