૧૫ વાહનોને વ્હીલ લોક, રૂ.૨૩,૫૦૦નો દંડ વસૂલાયો.સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે કાર્યવાહી.મનપાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસ્તા પર અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી.અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એન્ક્રોચમેન્ટ રિમૂવલ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ રીતે ઊભેલા વાહનો અને જાહેર માર્ગ પર દબાણ કરતા વેપારીઓ સામે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કુલ ૧૫ જેટલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા હતા.
સિંધુભવન રોડ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક છે. અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી, ખાણીપીણી અને અન્ય કામકાજ માટે આવતા હોવાથી રસ્તા પર વાહનોનું ભારણ પણ સતત રહે છે. આવા સંજાેગોમાં રોડની બાજુમાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરી દેવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી.
મનપાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસ્તા પર અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી.
ખાસ કરીને ખાણીપીણી તથા અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમોની આસપાસ વાહનો બેફામ રીતે પાર્ક કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે અધિકારીઓએ નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
આ ઝુંબેશ દરમિયાન કુલ ૧૫ જેટલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા હતા. ઉપરાંત જાહેર રસ્તા પર દબાણ ઊભું કરવા અને ટ્રાફિકને અડચણ પહોંચાડવા બદલ સંબંધિત વાહનચાલકો તથા વેપારીઓ પાસેથી કુલ રૂ.૨૩,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપાની કાર્યવાહીથી રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણના કારણે રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ રહે અને જાહેર માર્ગો પર અવરજવર સરળ બને તે માટે આવી કાર્યવાહી જરૂરી હોવાનું તંત્રનું માનવું છે.
સિંધુભવન રોડ સહિત શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ગેરકાયદે પાર્કિંગ અને દબાણ સામે આગામી દિવસોમાં ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે. મનપાએ વાહનચાલકોને જાહેર માર્ગો પર વાહન પાર્ક ન કરવા તેમજ વેપારીઓને રસ્તા પર દબાણ કરીને વ્યવસાય ન કરવા અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ સહિતની કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે.





