ઓવરસીઝમાં પણ કમાણી મર્યાદિત ‘બટવારા ૧૯૪૭’ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નહીં બોક્સ ઓફિસ કલેક્શનમાં ત્રીજા દિવસે મોટો ઘટાડો, ઓપનિંગ વીકએન્ડમાં ૩૭.૧૧ કરોડની કમાણી
સની દેઓલની પિરિયડ ડ્રામા ‘બટવારા ૧૯૪૭’ માટે ઓપનિંગ વીકએન્ડ અપેક્ષા મુજબનું રહ્યું નથી. સ્વતંત્રતા દિવસના અવસર પર બીજા દિવસે કલેક્શનમાં જાેરદાર ઉછાળો મળ્યા બાદ ફિલ્મની કમાણીમાં ત્રીજા દિવસે ફરી મોટો ઘટાડો નોંધાયો છે.ટ્રેડ ટ્રેકર સેકનિકના આંકડા અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ભારતમાં અંદાજે ૭.૨૫ કરોડ અંદાજિતની કમાણી કરી છે. આ સાથે ત્રણ દિવસની ભારતની કુલ કમાણી આશરે ૩૧.૬૧ કરોડ થઈ છે. રવિવારે ફિલ્મે ૭,૨૩૯ શોમાં આશરે ૨૨ ટકા હાજરી નોંધાઈ હતી.બીજા દિવસે ફિલ્મે ૧૩.૫૦ કરોડની કમાણી કરી હતી. તેની સરખામણીએ ત્રીજા દિવસે કમાણીમાં આશરે ૪૬.૩ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે સ્વતંત્રતા દિવસના કારણે મળેલી ગતિ જાળવી રાખવામાં ફિલ્મ નિષ્ફળ રહી છે.ફિલ્મે શુક્રવારે અંદાજે ૫.૭૫ કરોડથી શરૂઆત કરી હતી. ૮,૭૨૧ શોમાં લગભગ ૧૫ ટકા હાજરી નોંધાઈ હતી. જાેકે, શનિવારે સ્વતંત્રતા દિવસની રજાનો લાભ મળતાં ફિલ્મની કમાણીમાં લગભગ ૧૩૫ ટકાનો ઉછાળો આવ્યો અને કમાણી ૧૩.૫૦ કરોડ સુધી પહોંચી હતી. આ ઉછાળાથી પહેલું અઠવાડિયું વધુ સારું રહેવાની આશા જાગી હતી, પરંતુ રવિવારની કમાણીમાં આવેલા ઘટાડાએ આ આશા પર પાણી ફેરવી દીધું.ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન પણ ખાસ મજબૂત રહ્યું નથી. ત્રીજા દિવસે ફિલ્મે વિદેશી બજારમાં આશરે ૨ કરોડની કમાણી કરી છે. આ સાથે કુલ ઓવરસીઝ કલેક્શન લગભગ ૫.૫૦ કરોડ થયું છે. ત્રણ દિવસ બાદ ‘બટવારા ૧૯૪૭’નું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન આશરે ૩૭.૧૧ કરોડ છે. સની દેઓલની ફિલ્મને થિયેટરોમાં ઇમરાન હાશ્મીની ‘આવારાપન ૨’ સાથે પણ સ્પર્ધા કરવી પડી રહી છે. બંને ફિલ્મોની બોક્સ ઓફિસની રેસમાં હાલમાં તફાવત સ્પષ્ટ બન્યો છે.‘આવારાપન ૨’એ વિશ્વભરમાં અત્યાર સુધી ૧૧૦.૧૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે, જેના કારણે ‘બટવારા ૧૯૪૭’ સામે તેને નોંધપાત્ર લીડ મળી છે.રાજકુમાર સંતોષીના દિગ્દર્શનમાં બનેલી ‘બટવારા ૧૯૪૭’ દ્વારા સની દેઓલ અને સંતોષીની જાેડી લગભગ ૩૦ વર્ષ બાદ ફરી એકવાર સાથે આવી છે. બંનેએ અગાઉ ‘ઘાયલ’ (૧૯૯૦), ‘દામિની’ (૧૯૯૩) અને ‘ઘાતક’ (૧૯૯૬) જેવી યાદગાર ફિલ્મો આપી હતી. ફિલ્મ અસગર વજાહતના ૧૯૮૯ના નાટક ‘જિસ લાહોર નૈ વેખ્યા, ઓ જામ્યા એ નૈ’ પર આધારિત છે. વાર્તામાં ભારતની આઝાદીની ઉજવણી કરી રહેલા એક પરિણીત દંપતીની કથા છે, જેને ભારતના ભાગલા બાદ પાકિસ્તાન સ્થળાંતર કરવાની ફરજ પડે છે. ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે અને તેનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવ્યું છે.





