ટ્રમ્પની ધમકી બાદ કેનેડાનો જડબાતોડ જવાબ અમેરિકન સામાન પર ઝીંક્યો ૨૦ અબજ ડૉલરનો ટેરિફ કેનેડાએ આકરા પગલાં લેતા ૮ સપ્ટેમ્બરથી યુએસની ૭૦૦ થી વધુ પ્રોડક્ટ્સ પર ૧૫% થી ૫૦% સુધીની કસ્ટમ ડ્યુટી લાદવાની જાહેરાત કરી
વિશ્વની બે સૌથી મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલું ‘ટ્રેડ વોર‘ (વેપાર યુદ્ધ) હવે ખૂબ જ તીવ્ર અને ભયાનક મોડ પર પહોંચી ગયું છે.
યુએસ દ્વારા તાજેતરમાં લેવાયેલા ટેરિફના ર્નિણયોના જવાબમાં કેનેડાએ પણ હવે સણસણતો પ્રહાર કર્યો છે. કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર આશરે ઇં૨૦ બિલિયન (અંદાજે $ ૧૯.૯૪ બિલિયન) ની તોતિંગ કસ્ટમ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આટલું જ નહીં, આ વેપાર યુદ્ધની દેશના સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓ પર માઠી અસર ન પડે તે માટે કેનેડિયન સરકારે બહુ-અબજ ડોલરના ખાસ સહાયક પેકેજની પણ જાહેરાત કરી છે.
કેનેડાનો આ પ્રતિશોધક ટેરિફ આવનારી ૮ સપ્ટેમ્બરથી વિધિવત રીતે લાગુ કરી દેવામાં આવશે. આ ર્નિણય હેઠળ અમેરિકાથી આયાત થતી અંદાજે ૭૦૦ જેટલી વિવિધ પ્રોડક્ટ્સને આવરી લેવામાં આવી છે, જેના પર ૧૫% થી લઈને ૫૦% સુધીની ભારે કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સતત વણસી રહ્યા હતા, અને હવે કેનેડાના આ આકરા વલણથી બંને દેશો સામસામે આવી ગયા છે.
હકીકતમાં, શનિવારે યુએસ અને કેનેડા વચ્ચે આ મુદ્દે યોજાયેલી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો સાવ નિષ્ફળ ગઈ હતી, જેના પરિણામે કેનેડાએ વોશિંગ્ટનના ર્નિણયના જવાબમાં જ આ તુલનાત્મક આકરા પગલાં ભર્યા છે.
કેનેડાના નાણા મંત્રાલયના અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યા મુજબ, અલગ-અલગ વસ્તુઓ પર નીચે મુજબ ટેરિફ લાદવામાં આવ્યો છે:
સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્નિચર અને કપડાં: આ વસ્તુઓ પર સૌથી વધુ એટલે કે ૫૦% સુધીનો ટેરિફ ઝીંકાયો છે.
ઘરગથ્થુ ઉપકરણો (Home Appliances) અને સીફૂડ: આ પ્રોડક્ટ્સ પર ૨૫% ડ્યુટી લાગશે.
ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય સાધનો: આ વસ્તુઓ પર ૧૫% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે.
કેનેડાના નાણામંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને આ ર્નિણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓટ્ટાવા (કેનેડા સરકાર) એ ભૂતકાળના વ્યાપારી વિવાદોના અનુભવોને આધારે ખૂબ જ સંતુલિત અને પ્રમાણસર અભિગમ અપનાવ્યો છે અને ચોક્કસ ઉત્પાદનો સુધી જ આ ટેરિફ મર્યાદિત રાખ્યો છે. તેમણે ઉમેર્યું કે અમેરિકાના તાજેતરના ટેરિફથી કેનેડાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (SMEs) ને મોટો ફટકો પડી શકે તેમ હતો. તેથી સરકારે ટેરિફ લાદવાની સાથે સાથે એક મોટું સપોર્ટ પેકેજ પણ આપ્યું છે, જેથી દેશની કંપનીઓ સ્થાનિક સ્તરે મજબૂતીથી સ્પર્ધામાં ટકી રહે.





