આસમાની ફિલ્મની તફડંચીનો વિવાદ કોર્ટમાં ગયો સયાની ગુપ્તાએ વિનિતા નેગી સામે નવ કરોડનો બદનામીનો દાવો ઠોક્યો સયાની ગુપ્તાએ નેગીના આક્ષેપોને ખોટા,ગેરમાર્ગે દોરનારાં, બિનપાયેદાર અને બદનક્ષીભર્યા હોવાનું જણાવ્યું એક્ટર અને ફિલ્મમેકર સયાની ગુપ્તાએ મુંબઇ સિટી સિવિલ કોર્ટમાં ફિલ્મમેકર વિનિતા નેગી તથા અન્યો સામે નવ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો નોંધાવ્યો છે.સયાની ગુપ્તાની શોર્ટ ફિલ્મ ‘આસમાની’ સામે કોપીરાઇટ ભંગનો આક્ષેપ કરી એફટીઆઇઆઇની ભૂતપૂર્વ સ્ટુડન્ટ વિનિતા નેગીએ જણાવ્યું હતું કે તેની બની રહેલી ડોક્યુમેન્ટરી પ્રભામાંથી ઘણી સામગ્રી સયાનીએ તેની ફિલ્મમાં વાપરી છે.સયાની ગુપ્તાએ નેગીના આક્ષેપોને ખોટા,ગેરમાર્ગે દોરનારાં, બિનપાયેદાર અને બદનક્ષીભર્યા હોવાનું જણાવ્યું છે.
કોપીરાઇટના કાયદામાં અભિવ્યક્તિને રક્ષણ આપવામાં આવેલું છે કોઇ આઇડિયાને નહીં. માત્ર વૃદ્ધા, કાર અને ડ્રાઇવરની સર્જનાત્મક કાર્યમાં હાજરી હોય એટલે તેના પર નેગીની ઇજારાશાહી સ્થપાઇ જતી નથી.ગુપ્તાના દાવા અનુસાર નેગીએ પોતાની ઝૂંબેશ ઓનલાઇન ચલાવી અઢીસો સહીઓ એકત્ર કરી હોઇ તેની વ્યવસાયી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે અને તેને આસમાની ફિલ્મ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ન્યુ ઝિલેન્ડમાંથી પાછી ખેંચી લેવી પડી છે.ગુપ્તાએ તેની સામેની તમામ પોસ્ટ હટાવી લેવાનો આદેશ આપવામાં આવે તેવી દાદ કોર્ટમાં માંગી છે. નેગી પાસેથી બિનશરતી માફી પણ ગુપ્તાએ માંગી છે.



