AIIMS ના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો દેશમાં યુવાનોમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે ભારતમાં આશરે ૯.૮ ટકા યુવાનો ફેટી લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે : બાળકોમાં આ આંકડો ૩૫ ટકા સુધી પહોંચ્યો દેશમાં યુવાનો અને બાળકોમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી હોવાનો એક ચોંકાવનારો ખુલાસો એઇમ્સ (AIIMS)ના તાજેતરના અભ્યાસમાં થયો છે.
આ રિપોર્ટ અનુસાર, ભારતમાં આશરે ૯.૮ ટકા યુવાનો ફેટી લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં આ આંકડો ૩૫ ટકા સુધી પહોંચી ગયો છે, જે ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય માટે લાલ બત્તી સમાન છે.
નિષ્ણાતોના મતે ફેટી લિવરના સરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે કોઈ સ્પષ્ટ કે ચોક્કસ લક્ષણો જાેવા મળતા નથી, જેના કારણે આ બીમારીનું સમયસર નિદાન થતું નથી.
જાે આ સ્થિતિ પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો લિવરમાં સતત ચરબી જમા થવાથી આગળ જતાં લિવર ફાઇબ્રોસિસ અને સિરોસિસ જેવી અત્યંત ગંભીર અને જીવલેણ બીમારીઓનું જાેખમ વધી શકે છે.
બાળકો અને યુવાનોમાં આ સમસ્યા વધવા પાછળ તેમની બદલાયેલી લાઈફસ્ટાઈલ મુખ્ય જવાબદાર છે.
બાળકોમાં મેદાન પર બહાર રમવા જવાને બદલે સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે, બેઠાડું જીવન અને ખાણીપીણીની અનિયમિત આદતો (જેમ કે જંક ફૂડનું વધુ પડતું સેવન) લિવરના સ્વાસ્થ્ય પર સીધી નકારાત્મક અસર કરી રહી છે.
શરીરમાં થતા કેટલાક સામાન્ય ફેરફારોને નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે. સતત થાક લાગવો, પેટના ઉપરના જમણા ભાગમાં ભારણ કે અસ્વસ્થતા અનુભવવી, થોડું ખાધા પછી પણ પેટ ફૂલી જવું અને અચાનક વજન વધવું જેવા સંકેતો દેખાય તો તેને તુરંત ગંભીરતાથી લેવા જરૂરી છે.
ફેટી લિવર શરૂઆતમાં સામાન્ય કે બિનહાનિકારક સમસ્યા લાગી શકે છે, પરંતુ જાે સમયસર જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરવામાં ન આવે અને જરૂરી તબીબી તપાસ ન કરાવવામાં આવે તો તે ગંભીર લિવર રોગનું સ્વરૂપ લઈ શકે છે. નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને સ્ક્રીન ટાઈમ ઘટાડીને આ જાેખમથી બચી શકાય છે.




