(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ દીપક ગુપ્તાએ લાંબા સમય સુધી જેલવાસ, ન્યાયિક બહુમતીવાદ અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં અદાલતોની નિષ્ફળતાની ટીકા કરી હતી. ઉમર ખાલિદ, એલ્ગાર પરિષદ અને સોનમ વાંગચુકના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પ્રક્રિયા સજા બની ગઈ છે પૂર્વ ન્યાયાધીશે એક લેખ માં લખ્યું છે કે લોકોને રાષ્ટ્રવિરોધી નું લેબલ લગાવી તેમની જિંદગી બરબાદ કરી દેવામાં આવે છે, જ્યારે અદાલતો તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે પોતાના લેખ સ્વતંત્રતાનો સાચો અર્થ માં લખ્યું છે કે દેશની સ્વતંત્રતાનો અર્થ માત્ર વિદેશી શાસનમાંથી મુક્તિ નથી. સાચી સ્વતંત્રતા ત્યારે જ કહેવાય જ્યારે નાગરિકો ડર વિના વિચારી અને બોલી શકે, અસહમતિ વ્યક્ત કરી શકે અને જાતિ કે ધર્મના ભેદભાવ વિના સમાન વ્યવહાર મેળવી શકે. તેમના મતે ભારત ત્યારે જ ખરેખર સ્વતંત્ર બની શકશે જ્યારે દેશ ભ્રષ્ટાચાર, પૂર્વગ્રહ, કટ્ટરતા અને અસહિષ્ણુતામાંથી મુક્ત થશે. કાનૂની ક્ષેત્રમાં લગભગ અડધી સદીનો અનુભવ ધરાવતા જસ્ટિસ ગુપ્તાએ ખાસ કરીને ન્યાયતંત્રની જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશ ત્યાં સુધી સ્વતંત્ર હોવાનો દાવો કરી શકતો નથી જ્યાં સુધી તેની પાસે સ્વતંત્ર અને નિર્ભય ન્યાયતંત્ર ન હોય. તેમણે જણાવ્યું કે જેલોમાં બંધ લોકોમાંથી આશરે ૭૫ ટકા લોકો અન્ડર ટ્રાયલ છે. જ્યારે લગભગ ૨૪ ટકા લોકો જ સજા પામેલા કેદીઓ છે. એટલે કે, દરેક એક દોષિત કેદી સામે લગભગ ત્રણ એવા લોકો જેલમાં છે જેમનો કેસ હજુ પૂર્ણ થયો નથી. તેમના મતે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલી અરજીઓનો શક્ય તેટલો વહેલો નિર્ણય થવો જોઈએ. તેમણે કહ્યું કે અટકાયતનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હોય તો પણ અદાલતે એ નક્કી કરવું જોઈએ કે મૂળ અટકાયત કાયદેસર હતી કે નહીં. પરંતુ અહીં બીજા પક્ષનો અવાજ સાંભળવામાં આવતો નથી અને આ સ્થિતિ લોકશાહી માટે ઘાતક છે. તમામ સ્તર ની અદાલતો બહુમતીવાદ તરફ આગળ વધી રહી છે. જે દેશ માટે ચિંતાજનક છે.




