ભગવાન ગણેશના પ્રસિદ્ધ ભક્ત મોરીયા ગોસાવીનું જીવનચરિત્ર
સનાતન ભારતીય આધ્યાત્મિક ધારામાં ભગવાન ગણેશની ઉપાસનાનું સ્થાન અત્યંત ઉચ્ચ અને સર્વોપરી છે.જ્યારે પણ દેશમાં વિશેષ કરીને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ કે કોઈપણ પવિત્ર પ્રસંગે ભગવાન ગણેશની આરાધના થાય છે ત્યારે પ્રત્યેક ભક્તના મુખેથી એક જ જયઘોષ ગૂંજી ઊઠે છે-ગણપતિ બાપ્પા મોરિયા,મંગલમૂર્તિ મોરિયા! આ જયઘોષમાં આવતો મોરિયા શબ્દ એ કેવળ કોઈ સાધારણ શબ્દ નથી પરંતુ ગણપત્ય સંપ્રદાયના યુગપુરુષ,પરમ સિદ્ધ સાધક અને ભગવાન ગણેશના સાક્ષાત્ અંશાવતાર ગણાતા સંત ભક્ત મોરીયા ગોસાવી નું પાવન નામ છે.ભક્ત મોરીયા ગોસાવીના પવિત્ર જીવનચરિત્ર આપણને સમજાવે છે કે એક સાચો ભક્ત પોતાની નિષ્કામ ભક્તિ વડે ઈશ્વરને પણ પોતાના પ્રેમપાશમાં કેવી રીતે બાંધી શકે છે.
માતા-પિતાનું કઠોર તપ અને દિવ્ય જન્મ..
ભક્ત મોરીયા ગોસાવીના પૂર્વજો કર્ણાટકના બીદર પ્રદેશના નિવાસી હતા,તેમના પિતાનું નામ શાલીગ્રામ ભટ્ટ કે વામન ભટ્ટ અને માતાનું નામ પાર્વતીબાઈ ઉર્ફે શકુંતલાબાઈ હતું.આ દંપતી અત્યંત ધર્મપરાયણ,સદાચારી અને ભગવાન ગણેશનું પરમ ભક્ત હતું.સંસારી સુખો હોવા છતાં દંપતીના હૃદયમાં પુત્રહીનતાનું દુઃખ હતું. આત્મકલ્યાણ અને શ્રેષ્ઠ સંતતિની પ્રાપ્તિ માટે તેમણે પોતાનું મૂળ સ્થાન છોડીને મહારાષ્ટ્રના મોરગાંવ જ્યાં અષ્ટવિનાયકમાં પ્રથમ ગણાતા શ્રી મયૂરેશ્વરનું મંદિર સ્થિત છે ત્યાં નિવાસ કરવાનો નિર્ણય કર્યો.શાલીગ્રામ ભટ્ટે મોરગાંવમાં ભગવાન મયૂરેશ્વરના ચરણોમાં પોતાની જાતને અર્પિત કરી દીધી,તેમણે વર્ષો સુધી કઠોર ઉપવાસ,જપ અને અન્ન-જળનો ત્યાગ કરીને ભગવાન ગણેશની આરાધના કરી.તેમના આ નિષ્કામ અને અખંડ તપથી પ્રસન્ન થઈને એક રાત્રે ભગવાન શ્રી મયૂરેશ્વરે શાલીગ્રામ ભટ્ટને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે..
હે ભક્ત ! તારી નિષ્ઠાથી હું અત્યંત પ્રસન્ન છું.તારા ઘરે મારો જ એક દિવ્ય અંશ પુત્રરૂપે જન્મ લેશે, જે સંસારમાં મારી ભક્તિનો અપ્રતિમ પ્રચાર કરશે અને તેના નામ સાથે મારૂં નામ સદા માટે જોડાઈ જશે. ભગવાનના આ દિવ્ય વરદાનના ફળસ્વરૂપે ભાદરવા સુદ ચોથ-ગણેશ ચતુર્થીના અત્યંત પવિત્ર દિવસે પાર્વતીબાઈના ગર્ભથી એક તેજસ્વી બાળકનો જન્મ થયો જેનું નામ મોરીયા રાખવામાં આવ્યું.
બાળપણ-સાધના અને ગુરૂકૃપા..
બાળ મોરીયા નાનપણથી જ સામાન્ય બાળકો કરતાં સાવ અલગ હતા.તેમના મુખ પર એક અદભુત દિવ્ય તેજ હતું.તેમને રમત-ગમતમાં કે ભૌતિક આકર્ષણોમાં કોઈ રસ નહોતો.તેઓ કલાકો સુધી મોરગાંવના શ્રી મયૂરેશ્વર મંદિરમાં બેસીને ધ્યાનમગ્ન રહેતા હતા.પિતાના અવસાન બાદ મોરીયાની આધ્યાત્મિક તીવ્રતા બેવડાઈ ગઈ.સાધનાના માર્ગે આગળ વધવા માટે તેમણે પરમજ્ઞાની અને નાથ પરંપરાના સંત શ્રી નયનભારતી ગોસાવીને પોતાના આધ્યાત્મિક ગુરૂ બનાવ્યા હતા.ગુરૂ નયનભારતીજીએ મોરીયાની ભક્તિ અને પાત્રતા જોઈને તેમને ગણેશ મંત્ર અને ગણપત્ય મહામંત્રની દીક્ષા આપી.ગુરૂની આદેશાનુસાર મોરીયાએ પુણે નજીક આવેલા થેર અને પવના નદીના કિનારે આવેલા કિંચવડ વર્તમાન ચિંચવડના ગહન જંગલોમાં જઈને અત્યંત કઠિન તપસ્યા શરૂ કરી.તેઓ દિવસ-રાત ઈન્દ્રિયનિગ્રહ કરીને ગણેશમંત્રનો જપ કરતા હતા.આ કઠોર તપના પરિણામે તેમને અનેક દિવ્ય અનુભૂતિઓ થઈ અને તેમની
ગણના સિદ્ધ ભક્તોમાં થવા લાગી.
મોરગાંવની પદયાત્રા અને વિઘ્નહર્તાની નિષ્ઠા..
મોરીયા ગોસાવીની ભક્તિનો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ હતો કે તેઓ દર મહિને આવતી વિનાયકી ચતુર્થી અને સંકષ્ટ ચતુર્થીના દિવસે કિંચવડથી ચાલીને લગભગ ૯૦ કિલોમીટર દૂર આવેલા મોરગાંવ પહોંચતા હતા અને ત્યાં ભગવાન મયૂરેશ્વરના દર્શન કરીને પૂજન-અર્ચન કરતા હતા.ચોમાસું હોય,કડકડતી ઠંડી હોય કે ભારે તાપ હોય,મોરીયાજીએ પોતાના આ નિયમમાં ક્યારેય ભંગ પડવા દીધો નહીં.દાયકાઓ સુધી તેમની આ પદયાત્રા અખંડ ચાલી.માર્ગમાં આવતી નદીઓ,હિંસક પશુઓ કે વિષમ પરિસ્થિતિઓ ક્યારેય તેમની ભક્તિને ડગાવી શકી નહીં.ભગવાન ગણેશ પોતે અદ્રશ્યરૂપે તેમની રક્ષા કરતા હતા.
ભગવાન ગણેશનો સ્વપ્નમાં આદેશ અને ચિંચવડમાં પ્રાગટ્ય..
સમય વીતતો ગયો અને મોરીયા ગોસાવી અત્યંત વૃદ્ધ થઈ ગયા.તેમના શરીરમાં શિથિલતા આવી ગઈ અને પગપાળા ચાલીને મોરગાંવ પહોંચવું અશક્ય બની ગયું.એક વખત સંકષ્ટ ચતુર્થીના દિવસે અશક્તતાના કારણે તેઓ માર્ગમાં જ ઢળી પડ્યા.તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી.તેમણે અત્યંત આર્તભાવે ભગવાન ગણેશને પ્રાર્થના કરી કે.. હે વિઘ્નહર્તા ! હે મયૂરેશ્વર ! મારો આ નાશવંત દેહ હવે આપના ચરણો સુધી પહોંચવામાં અસમર્થ છે પરંતુ જો મારા મનમાંથી આપના દર્શનની પ્યાસ છૂટી જશે તો મારો પ્રાણ નીકળી જશે. ભક્તની આવી ઉત્કટ ભક્તિ જોઈને ભગવાન ગણેશનું હૃદય દ્રવી ઊઠ્યું, તે જ રાત્રે ભગવાન મયૂરેશ્વરે મોરીયા ગોસાવીને દિવ્ય દર્શન આપ્યા અને વાત્સલ્યપૂર્વક કહ્યું કે.. હે મોરીયા ! તારી સાધના અને અચળ ભક્તિથી હું પૂર્ણપણે તૃપ્ત થયો છું.હવે તારે મોરગાંવ સુધી આવવાની કોઈ જરૂર નથી.હવેથી હું પોતે જ તારી પાસે કિંચવડમાં નિવાસ કરીશ.કાલે સવારે જ્યારે તું પવના નદીમાં સ્નાન કરીશ ત્યારે તને મારી એક દિવ્ય સ્વયંભૂ મૂર્તિ પ્રાપ્ત થશે.તું તેની સ્થાપના કરીને ત્યાં જ મારી સેવા કર. બીજા દિવસે સવારે જ્યારે ભક્ત મોરીયા ગોસાવીએ પવના નદીમાં જળમાં ડૂબકી લગાવી ત્યારે તેમના હાથમાં ભગવાન ગણેશની એક અત્યંત મનોહર,નાની સ્વયંભૂ મૂર્તિ આવી. મોરીયાજીના હર્ષનો કોઈ પાર ન રહ્યો,તેમણે તે મૂર્તિની સ્થાપના ચિંચવડમાં કરી.આ ઘટના બાદ ચિંચવડ એ ગણપત્ય સંપ્રદાયનું એક અત્યંત પાવન મહાપીઠ બની ગયું. દિવ્ય લીલાઓ અને લોકકલ્યાણ.. ચિંચવડમાં સ્થાપિત થયા પછી ભક્ત મોરીયા ગોસાવીનું આશ્રમ ભક્તો અને સાધકો માટે આશાનું કેન્દ્ર બની ગયું.તેમના જીવન સાથે જોડાયેલા અનેક કલ્યાણકારી ચમત્કારો અનેક શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. એકવાર મોરીયાજીના આશ્રમે હજારો શ્રદ્ધાળુઓ અને સંતો પધાર્યા.આશ્રમમાં અન્ન અત્યંત ઓછું હતું.મોરીયા ગોસાવીએ ભગવાન ગણેશનું સ્મરણ કરીને ભોજનના પાત્ર પર વસ્ત્ર ઢાંકી દીધું અને ભંડારાની શરૂઆત કરી.ગણેશજીની કૃપાથી હજારો લોકોએ પેટ ભરીને ભોજન કર્યું છતાં અન્ન ખૂટ્યું નહીં.
મોરીયા ગોસાવી પ્રત્યેક જીવમાં ગણેશજીનું દર્શન કરતા હતા.પશુઓ,પક્ષીઓ અને ગરીબો પ્રત્યે તેમનો દયાભાવ અપ્રતિમ હતો. જે પણ શ્રદ્ધાળુ પોતાની આધ્યાત્મિક કે ભૌતિક સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા મોરીયાજી તેમને કેવળ ભગવાન ગણેશના નામ સ્મરણનો માર્ગ બતાવતા અને તેમની કઠિન સમસ્યાઓ સહજતાથી દૂર થઈ જતી.સમાજ તેમને સાક્ષાત્ ગણેશ સ્વરૂપ માનવા લાગ્યો.લોકો જ્યારે મંદિરના ગર્ભમાં ગણેશજીના દર્શન કરતા અને બહાર આવીને ભક્ત મોરીયાના દર્શન કરતા ત્યારે તેમના મુખમાંથી સહજ શબ્દો નીકળતા-ગણપતિ બાપ્પા મોરિયા ! એટલે કે હે ગણપતિ બાપ્પા ! તમારા પરમ ભક્ત મોરીયાનું કલ્યાણ કરનાર પ્રભુ આપનો વિજય હો ! સંજીવન સમાધિ અને અમર વારસો..પોતાના અવતારી કાર્ય અને ગણેશ ભક્તિના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા બાદ ભક્ત મોરીયા ગોસાવીએ સ્વેચ્છાએ જીવતેજીવ સંજીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો. માગશર મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠના પવિત્ર દિવસે કિંચવડમાં પવના નદીના કાંઠે હજારો અશ્રુભીના ભક્તોની હાજરીમાં ભક્ત મોરીયા ગોસાવી ગણેશજીના ધ્યાનમાં સંપૂર્ણપણે લીન થઈને સમાધિસ્થ થયા. સમાધિ લેતા પૂર્વે તેમણે પોતાના પુત્ર શ્રી ચિંતામણિ દેવ પ્રથમને ગણેશ ઉપાસનાની પરંપરા જાળવી રાખવા અને ચિંચવડ સંસ્થાનની સેવા કરવાનો આદેશ આપ્યો.ભક્ત મોરીયા ગોસાવીના પરિવારની આ વંશપરંપરા 'દેવ સંસ્થાનa તરીકે પ્રસિદ્ધ થઈ,એવું માનવામાં આવે છે કે તેમના વંશજોમાં ભગવાન ગણેશનો દિવ્ય અંશ સતત કાર્યરત રહ્યો હતો.છત્રપતિ શિવાજી મહારાજ અને સમર્થ રામદાસ સ્વામી જેવા મહાન યુગપુરૂષો પણ ચિંચવડના દેવ પરિવાર અને મોરીયા ગોસાવીના સમાધિ સ્થળ પ્રત્યે અત્યંત પૂજ્યભાવ રાખતા હતા.ગણેશ ભક્ત મોરીયા ગોસાઇનું ચરિત્ર એ કેવળ એક ભક્તની કથા નથી પરંતુ ભારતીય શ્રદ્ધા અને સમર્પણની અમર ગાથા છે.
ઈશ્વર કોઈ ભૌગોલિક સીમાઓ કે બાહ્ય આડંબરોથી નથી મળતા પરંતુ નિષ્કામ હૃદય અને અચળ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે. જ્યારે ભક્ત પોતાના અહંકારનો ત્યાગ કરીને ઈશ્વર સન્મુખ થાય છે ત્યારે ઈશ્વર સ્વયં ભક્તના આધીન થઈ જાય છે-જેમ ભગવાન મયૂરેશ્વર પોતે મોરીયાજી માટે ચિંચવડ પધાર્યા હતા. ભક્ત અને ઈશ્વર વચ્ચેનો ભેદ નાબૂદ થઈ જાય છે,તેથી જ આઝાદીના શતકો પછી પણ આજે કરોડો લોકો ગણેશજીની આરાધના કરતી વખતે ભક્ત મોરીયાનું નામ પ્રથમ લે છે. આમ ભક્ત મોરીયા ગોસાવીનું પાવન જીવનચરિત્ર પ્રત્યેક ગણેશ ભક્ત માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.ચિંચવડમાં આવેલું તેમનું સંજીવન સમાધિ મંદિર આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે પરમ શાંતિ અને શક્તિનું ધામ છે.
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




