ચીની બોક્સરને હંફાવી જીત્યો ગોલ્ડ મેડલ ભારતનું ગૌરવ: બર્થ-ડે ગર્લ લવલીનાનો ગોલ્ડન પંચ એશિયન ગેમ્સની ૭૫ કિલો કેટેગરીની બોક્સિંગની ફાઇનલ મેચમાં તેણે ચીનની બાઓ ઝિયીને હંફાવી દીધી આસામની લવલીનાએ આજે ભારતનું ગૌરવ વધારી દીધું છે. તેણે પોતાના જન્મદિવસે જ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. જાપાનમાં રમાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ની ૭૫ કિલો કેટેગરીની બોક્સિંગની ફાઇનલ મેચમાં તેણે ચીનની બાઓ ઝિયીને હંફાવી દીધી, તેણે ચીની બોક્સરને ૫-૦થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ જન્મેલી લવલીનાએ પોતાના ૨૯મા જન્મદિવસે આ જીત મેળવી છે.
આ ગોલ્ડ મેડલની સાથે જ ભારતની મહિલા બોક્સિંગમાં ૧૨ વર્ષથી જાેવાઈ રહેલી રાહ પૂરી થઈ છે. આ પહેલાં ૨૦૧૪ની ઇન્ચિયોન એશિયન ગેમ્સમાં મેરી કોમે ૫૧ કિલો ફ્લાયવેટમાં ગોલ્ડ જીત્યો હતો. લવલીના હવે એશિયન ગેમ્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી મેરી કોમ પછીની બીજી ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે. આપને જણાવી દઈએ કે, લવલીનાએ ગત એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગઈ વખતે ફાઇનલમાં તેને ચીની બોક્સર લી કિયાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
લવલીના બોર્ગોહેન કોણ છે? – લવલીના બોર્ગોહેનનો જન્મ ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ આસામના ગોલાઘાટ જિલ્લાના બારો મુખિયા ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાંથી આવતી લવલીનાએ પોતાની મહેનતના દમ પર ભારતીય બોક્સિંગમાં ખાસ ઓળખ બનાવી છે. તે ગુવાહાટીના NCOE માં ટ્રેનિંગ લે છે અને ૭૫ કિલો કેટેગરીમાં રમે છે.
લવલીનાએ ૨૦૧૮ અને ૨૦૧૯ AIBA (International Boxing Association) મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સળંગ બ્રોન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ ટોક્યો ૨૦૨૦ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક મેડલ જીતનારી ત્રીજી ભારતીય બોક્સર અને બીજી ભારતીય મહિલા બોક્સર બની હતી.
૨૦૨૩ IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં લવલીનાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ બોક્સિંગ કપ સહિત અનેક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
લવલીનાને અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેની સિદ્ધિઓએ ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે.




