ઉત્તર પ્રદેશમાં ૧૦ રાજ્યસભાની સીટો પર ચૂંટણી UP રાજ્યસભા ચૂંટણી: ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને ૨૦૨૭ની રાજકીય તૈયારી તરીકે જાેવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની ૮ સીટો માટે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. પાર્ટી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યાદી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભાવી અને રાજ્યસભા સાંસદ તરૂણ ચુગે જારી કરી છે.
ભાજપે આ વખતે ઘણા નવા ચહેરાને તક આપી છે. તો વર્તમાન રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ આ યાદીમાં નથી. ઉત્તર પ્રદેશની ૧૦ રાજ્યોસભા સીટો માટે ૧૬ ઓક્ટોબરે ચૂંટણી થવાની છે.
પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોમાં ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપી કૃષ્ણ પાંડે, પ્રિયંકા સિંહ રાવત, રામ પ્રતાપ સિંહ ચૌહાણ, શ્રુતિ ગંગવારનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને ૨૦૨૭ની રાજકીય તૈયારી તરીકે જાેવામાં આવી રહી છે.
ભાજપના આ લિસ્ટમાં ઓબીસી પ્રતિનિધિત્વને ખાસ સ્થાન મળ્યું છે. ૨૦૨૭ પહેલા ઉત્તર પ્રદેશમાં સામાજિક સમીકરણ રાજકીય દળોની રણનીતિનો મહત્વનો હિસ્સો છે અને ભાજપની ઉમેદવારી પસંદગીમાં તેની અસર જાેવા મળી રહી છે. આ સાથે બે બ્રાહ્મણોને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે.
આગામી મહિને રાજ્યસભામાં ઉત્તરપ્રદેશના ઘણા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ સામેલ છે. હરદીપ સિંહ પુરી રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. હવે સવાલ થઈ રહ્યો છે કે શું હરદીપ સિંહ પુરીની કેન્દ્રીય કેબિનેટમાંથી વિદાય થશે?
રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૬ ઓક્ટોબર છે. ભાજપના તમામ ઉમેદવાર આ દિવસે લખનૌ સ્થિત વિધાન ભવન પહોંચી ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન પાર્ટીનું શક્તિ પ્રદર્શન પણ જાેવા મળી શકે છે. ઉમેદવારી દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત અન્ય લોકો હાજર રહી શકે છે.
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૭ ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૯ ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાના પરત લઈ શકશે.
ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની ૧૦ સીટો માટે ૧૬ ઓક્ટોબરે સવારે ૯ કલાકથી સાંજે ૪ કલાક સુધી મતદાન થશે. મતદાન બાદ તે દિવસે સાંજે ૫ કલાકે ગણતરી શરૂ થશે.




