આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં ઇલેક્શન કમિશન સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. જે રીતે સમગ્ર દેશમાં જ્ઞાનેશ કુમાર સામે મત કાપવા અને ભાજપને સમર્થન આપવાના રોલ બદલ આંદોલનો થઈ રહ્યા છે, તેવો જ રોલ ગુજરાતના ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નાનો પણ જોવા મળ્યો છે. ૨૦૨૧ની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૪૪ ઉમેદવારોમાંથી જીતેલા ૪૧ ઉમેદવારોએ રજૂ કરેલા ચૂંટણી ખર્ચના હિસાબો અંગે એક આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટ દ્વારા મેળવવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારા પુરાવાઓ બહાર આવ્યા છે. આ ૪૧ ઉમેદવારોએ ૧ થી ૧૬૭ સુધીની તમામ કોલમોમાં એક સરખો જ ખર્ચ બતાવીને બેહૂદું કોપી-પેસ્ટ કર્યું છે. તમામ ૪૧ ઉમેદવારોએ ચાનો ખર્ચ, એક જ વ્યક્તિ દ્વારા સફાઈકામ, પાણીનો ખર્ચ અને અન્ય વ્યવસ્થાઓનો ખર્ચ એકદમ સમાન બતાવ્યો છે, જે વ્યવહારિક રીતે અશક્ય છે. આ ઉપરાંત ઉમેદવાર ડિપોઝિટ, નેતાઓની રેલીઓ, સભાઓ અને મીડિયા માર્કેટિંગના ખર્ચાઓ ૪૧ માંથી એકપણ ઉમેદવારે પોતાના હિસાબમાં દર્શાવ્યા જ નથી. નિયમ મુજબ જો ચૂંટણી ખર્ચમાં ઘાલમેલ કે ખોટી માહિતી આપવામાં આવે તો ઉમેદવારને ૬ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટની ફરિયાદ બાદ ચૂંટણી આયોગે કલેક્ટરને તપાસ સોંપી હતી, પરંતુ ૨૨ જેટલી સુનાવણીઓ અને પાંચ વર્ષનો સમય વીતી ગયા છતાં પ્રોસેસ ચાલુ હોવાના બહાના હેઠળ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જે ચૂંટણી આયોગની કામગીરી સામે ગંભીર શંકાઓ ઊભી કરે છે.
વધુમાં પ્રવિણ રામે ગાંધીનગરની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, નિયમોની આ ચોખ્ખી ઘાલમેલ કરનારા ૪૧ ઉમેદવારોમાંથી ભાજપે ૧૨ પૂર્વ કોર્પોરેટરોને ફરીથી ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગરના નાગરિકોએ પોતાના વોર્ડના આવા ઉમેદવારોને મત આપીને પોતાનો કિંમતી મત વેડફવો જોઈએ નહીં, કારણ કે ખોટા હિસાબો રજૂ કરવાની આ મેટર આવનારા દિવસોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની છે. કાયદાકીય તપાસ આગળ વધતાં કોર્ટ દ્વારા આ પૂર્વ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવી તેમનું પદ રદ કરવામાં આવશે અને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાશે, જેથી ચૂંટણી જીત્યાના બે વર્ષમાં જ તેઓ ઘરે બેસી જશે. આથી જનતા ભાજપના આ ઉમેદવારોને મત આપવાને બદલે પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીને વિજયી બનાવે. આ સાથે તેમણે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી આયોગને સીધો સવાલ કરતાં ચેતવણી આપી હતી કે તેઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનું બંધ કરી કાયદા અને નિયમો અનુસાર નિષ્પક્ષ કાર્યવાહી કરે, અન્યથા દેશની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી આયોગ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




