(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુરત શહેરમાં ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફૂડ વિભાગ દ્વારા ૧૦૬ જગ્યાએ તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ નેચરલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમના બોર્ડ લાગેલા જોવા મળે છે. અને જ્યાં જ્યાં બોર્ડ નથી લાગ્યા તેમને તાત્કાલિક બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે.
જ્યારે આઈસ્ક્રીમના નામે ગ્રાહકો સાથે કોઈ ગેરસમજ કે છેતરપિંડી ન થાય તે માટે ફૂડ વિભાગે તપાસ અને કાર્યવાહી વધારી દીધી છે. એટલું જ નહિ ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓને ગ્રાહકોની જાણ માટે સ્પષ્ટ બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.
આ બોર્ડમાં આઈસ્ક્રીમ દૂધની ચરબીમાંથી તૈયાર થાય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ ઓઈલ અને સ્કિમ્ડ મિલ્ક પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે, એ અંગેની પણ માહિતી દર્શાવવાની રહેશે, જેથી ગ્રાહકો ખરીદી કરતી વખતે તેઓ કઈ પ્રોડક્ટ લઈ રહ્યા છે તે જાણી શકે અને યોગ્ય પસંદગી કરી શકે અને ગ્રાહકો જાણી શકે. આમ ફૂડ વિભાગના જણાવ્યા મુજબ ગ્રાહકોને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને પ્રોડક્ટ અંગે સાચી માહિતી મળે તે માટે આગામી દિવસોમાં પણ આઈસ્ક્રીમ ઉત્પાદન એકમો અને વેચાણ કેન્દ્રો પર તપાસ ચાલુ રાખવામાં આવશે, અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. સુરતમાં ફૂડ વિભાગની આ કામગીરીનો મુખ્ય હેતુ ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો અને ખાદ્યપદાર્થોના વેચાણમાં પારદર્શિતા જાળવવાનો છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બન્ને અલગ પ્રોડક્ટ છે અને ગ્રાહકોને ખરીદી સમયે તેની સ્પષ્ટ જાણકારી મળે તે જરૂરી છે. આ માટે ઉત્પાદન એકમો તેમજ દુકાનોમાં માહિતી બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ પર નજર રાખી પગલાં ભરવામાં આવશે.




