હજુ શોધખોળ જારી ગટરમાં ગરકાવ બાળકી મળવાની શક્યતા નહીંવત્ એસટીપીનાં પમ્પિંગ સ્ટેશન બંધ કરી ચેકિંગ કરાયુ : નદીમાં વહી ગયાની શંકાએ નદી પટમાં પણ તપાસ કરાઇ શહેરનાં નારોલથી શાસ્ત્રીબ્રિજ પાસે ગણેશનગરનાં છાપરા નજીક ગઇકાલે શનિવારે ખુલ્લી ગટરમાં ગરકાવ થઇ ગયેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની સતત રાતભર શોધખોળ હાથ ધરવા છતાં હજુ સુધી બાળકીનો કોઇ અતોપતો મળ્યો નથી.મ્યુનિ.નાં વોટર-ડ્રેનેજ પ્રોજેક્ટનાં સિટી ઇજનેર વિજયભાઇ પટેલને પૂછતાં તેમણે કહ્યું કે, ગઇકાલે શનિવારે ગણેશનગરનાં છાપરા પાસે ખુલ્લી ગટરમાં નવેક વર્ષની એક પ્રજ્ઞાચક્ષુ બાળકી પડી ગઇ હોવાનો મેસેજ મળતાં જ દક્ષિણ ઝોન ઇજનેર ખાતાનાં અધિકારીઓ તેમજ ડ્રેનેજ-એસટીપી વિભાગનાં અધિકારીઓને સ્થળ ઉપર દોડાવવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે, મ્યુનિ.નાં ઇજનેરો ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો પણ ગટરમાં ગરકાવ બાળકીને શોધવા કામે લાગી ગઇ હતી. ગણેશનગરથી ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન અને સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધીનાં તમામ મેનહોલ ખોલીને ચેક કરવામાં આવ્યા હતા, તદઉપરાંત ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન કલાકો સુધી બંધ કરીને તેની જાળી વગેરે તપાસવામાં આવ્યા હતા. તેમ છતાં બાળકીની કોઇ ભાળ મળી નહોતી.ત્યારબાદ સ્ટોર્મ વોટર લાઇનની બાયપાસ લાઇનમાંથી બાળકી નદી તરફ વહી ગઇ હોય તેવી શક્યતા વિચારીને મ્યુનિ. ઇજનેરો અને ફાયર બ્રિગેડની ટીમોએ સાબરમતી નદીનાં કિનારે કિનારે એક બે કિલોમીટર સુધી તપાસ કરી હતી, ત્યાં પણ તેમને નિરાશા હાથ લાગી હતી. ગઇકાલથી બાળકીની સતત તપાસ કરી રહ્યાં છીએ અને હવે સીસીટીવી કેમેરાથી ડ્રેનેજ લાઇન સફાઇની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટરોને બોલાવી તપાસ કરાવવામાં આવશે તેમ સિટી ઇજનેરે જણાવ્યું હતું.જાેકે ફાયર બ્રિગેડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકી ગટરમાં પડી ગયાની જાણ થતાં ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને પ્રાથમિક તપાસ કરી હતી. ત્યારબાદ આખી રાત અને રવિવારે સાંજ સુધી જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે તપાસ કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, નરોડા-નારોલ વચ્ચેની મેઇન ટ્રંક લાઇન રોડથી આશરે ૪૦ ફૂટ નીચે છે અને તેમાં ગટરનાં પાણી ધસમસતા વહેતાં હોય છે. આ લાઇન ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન સુધી જાય ત્યાંથી એક લાઇન નદીમાં જાય છે, જાે બાળકી આ લાઇનમાંથી નદીમાં વહી ગઇ હશે તો એક બે દિવસમાં ધોળકા તરફનાં ગામડાઓમાંથી જાણકારી મળવાની શક્યતા છે. અન્યથા જાે બાળકી ગટર લાઇનમાં જ કે જાળી આગળ ફસાઇ હશે તો તેને શોધવાનુ કામ કપરૂ બની રહેવાનુ છે.




