એશિયન ગેમ્સમાં સેનાના જવાનોનો દમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ૨૭ મેડલ જીતનારા ખેલાડીઓનું કર્યું સન્માન સર્વિસીસના ૯૨ ખેલાડીએ ૧૯ સ્પર્ધામાં ભાગ લીધો હતો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાપાનમાં હાલમાં જ સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ૨૭ મેડલ (૦૬ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ) મેળવનારા સશસ્ત્ર દળોના ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમમાં સર્વિસીસના અત્યાર સુધીના સવર્શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પ્રહલાદ જાેશી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સર્વિસીસના કુલ ૯૨ એથ્લેટ્સે ૧૯ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
ભારત ચોથા સ્થાને પહોંચ્યું તેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સમગ્ર ભારતીય ટુકડીએ ૮૫ મેડલ (૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ) જીત્યા હતા.
નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરતા સંરક્ષણ મંત્રીએ તેમની સફળતાનો શ્રેય શિસ્ત, સખત પરિશ્રમ, ટીમ સ્પિરિટ અને રમતગમતની ઉત્કૃષ્ટતાને આપ્યો હતો. તેમણે કહ્યું કે મેડલ જીતવાની સફરમાં અપાર સમર્પણ, વહેલી સવારે તાલીમ, જીમ સેશન, ઈજાઓ, પુન:પ્રાપ્તિ અને યુનિટની ફરજાે સાથે રમતગમતની તૈયારીઓને સંતુલિત કરવા અને પરિવારોથી દૂર રહેવાના સતત પ્રયાસો સામેલ છે.
જેમણે ભાગ લીધો, પરંતુ ચંદ્રક ન જીતી શક્યા હોય એવા ખેલાડીઓને સંબોધતાં રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે, સાચી હાર તો હિંમત હારીને પ્રયાસ છોડી દેવામાં છે.
તેમણે કહ્યું કે દરેક સહભાગીએ કોઈ ને કોઈ રીતે દેશ અને સશસ્ત્ર દળોનું ગૌરવ વધારવામાં યોગદાન આપ્યું છે. સશસ્ત્ર દળોના ખેલાડીઓની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.
સંરક્ષણ મંત્રીએ પ્રતિભાશાળી એથ્લેટ્સની ઓળખ કરવા, તેમની ક્ષમતાને પોષવા, વૈજ્ઞાનિક તાલીમ અને વિશ્વ કક્ષાની રમતગમત સુવિધાઓ પૂરી પાડવા અને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં મિશન ઓલિમ્પિક વિંગ દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કોચ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ અને એથ્લેટ્સના પરિવારો દ્વારા આપવામાં આવેલા યોગદાનનો પણ સ્વીકાર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચેમ્પિયન ક્યારેય એકલા બનતા નથી.
રાજનાથ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક તાલીમ સુવિધાઓ અને એથ્લેટ્સ માટે વધુ સારી તકો પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી. તેમણે રેખાંકિત કર્યું કે ઉદ્દેશ્ય માત્ર ભાગીદારી વધારવાનો નથી, પરંતુ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતને અગ્રણી શક્તિ તરીકે સ્થાપિત કરવાનો છે.




