ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી અંગેનો મામલો ૨૦૧૮ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર અદાલતે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા, કોર્ટમાં હાજર રહી રાહુલ ગાંધીએ તેને સત્તા પક્ષનું ષડયંત્ર ગણાવ્યું ગૃહમંત્રી અમિત શાહ પરની ટિપ્પણીને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં ચાલી રહેલા ૨૦૧૮ના માનહાનિ કેસમાં સોમવારે તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. ચુકાદાના દિવસે કોર્ટની સુનાવણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી વિશેષરૂપે સુલતાનપુર પહોંચ્યા હતા અને કોર્ટમાં હાજર રહ્યા હતા. મે ૨૦૧૮માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બેંગલુરુમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ નિવેદનને માનહાનિજનક ગણાવીને ભાજપના નેતા અને સુલતાનપુર જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ ૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ અરજી દાખલ કરી હતી. આ મામલો અગાઉ સિવિલ કોર્ટ અને ત્યારબાદ એમપી-એમએલએ કોર્ટમાં ચાલ્યો હતો.
કોર્ટે સુનાવણીના અંતે ૨૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાહુલ ગાંધીને આરોપી ગણી સમન્સ જારી કર્યું હતું. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાહુલ ગાંધી ખુદ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમને ૨૫-૨૫ હજારના બે બોન્ડ પર જામીન મળ્યા હતા. કોર્ટ સમક્ષ હાજર થયા દરમિયાન તેમણે તમામ આરોપો ફગાવી દીધા હતા અને તેને સત્તા પક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું.
ટ્રાયલ દરમિયાન અરજીકર્તા પક્ષ તરફથી વિજય મિશ્રા, અનિલ મિશ્રા અને રામચંદ દુબે એમ ત્રણ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફરિયાદીએ રાહુલ ગાંધીના અવાજના નમૂના (વોઇસ સેમ્પલ) મેળવવા માટે પણ અરજી કરી હતી, જેને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં સેશન્સ કોર્ટ તથા અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ માંગ ફગાવી દીધી હતી.
વર્ષ ૨૦૧૮ની કર્ણાટક ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં ચૂંટણી પ્રચાર વખતે રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. તે સમયે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ મામલે ૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ભાજપના નેતા અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. ૨૭ નવેમ્બર, ૨૦૨૩ના રોજ કોર્ટે રાહુલ ગાંધીને ટ્રાયલ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.




