( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આજનો યુગ ભૌતિક પ્રગતિ અને સુંવાળા સુખોની લોભામણી લીલાનો યુગ છે. સઘળાં સુખો ધનથી સુલભ છે એટલે માણસ ભૌતિક સુખોની લાલચમાં યશ-પ્રતિષ્ઠાને ઓછું મહત્વ આપીને ધનને લક્ષ્ય બનાવે છે. કારણ કે એ જાણે છે કે નાથાલાલ પણ નાણાંની ગેરહાજરીમાં નાથિયો બની જાય છે. અને નાથિયો પણ જો નાણાંવંતો હોય તો તે નાથાલાલ શેઠનો આદર પામે છે.
ધનિક દુરાચારી હોય તો પણ એને સદાચારીનું સન્માન આપવા પડાપડી થતી હોય છે. અમીર પાસે રાજકારણીઓ, સમાજસેવકો, સારસ્વતો અને સાહિત્યસેવીઓ પણ વગર નિમંત્રણે દોડી જતા હોય છે. અને બિચારો યશસ્વી, આબરૂદાર, પ્રતિષ્ઠાવંત એનો ભાવ ભાગ્યે જ પૂછાતો હોય છે.સમાજમાં ધનનું વર્ચસ્વ ધર્મ કરતાં પણ વધુ છે. ઠાઠમાઠ વગરના સાધુ પણ સંત નહીં બાવો ગણાય છે. પછી ભલે એ જ્ઞાની, ધ્યાની, કે પરગજુ હોય સંતત્વની સિદ્ધિ માટે ચેનલનો સમય ભાડે રાખવાની આવડત અને આર્થિક સામર્થ્ય જોઈએ. આજકાલ સોશ્યલ મિડીયાનો જમાનો છે. એટલે તેનો ઉપયોગ કરી જેઓ સમાજને ઉલ્લુ બનાવતા શીખી જાય, સમાજ એને તરત જ મોટો માનતો થઈ જાય છે, કારણ કે આજના માણસની નજરે સુખનું સરનામું ધન કેમ છે? હકીકતમાં ધનશક્તિએ યશ અને પ્રતિષ્ઠા પર આક્રમણ કર્યું છે. પૈસા આપીને પદ કે પદવી ખરીદી શકાય છે તેમ સન્માન માટે સામેથી પૈસા ભરીને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, જ્ઞાની પુરુષ, પર્સનાલીટી ઓફ ધી ઇયર, પર્સનાલિટી ઓફ ઇન્ડિયા, જેવાં સન્માનો હાથવગાં કરી શકાય છે. યશ કે પ્રતિષ્ઠા માટે માણસે ખપવું પડે છે ,ઝઝૂમવું પડે છે, પણ પૈસો હોય તો યશ પણ માણસની કદમબોસી કરે છે. એટલે માણસ ધન વધારવામાં વધુ રસ લે છે.




