“દરેક પરિસ્થિતિમાં પરમાત્માના પ્રેમમાં સ્થિર રહેવું એ જ સાચી જાગૃતિ છે.” આ દિવ્ય ઉદગારો નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના ત્રીજા દિવસે પોતાના પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા વ્યક્ત કર્યા હતા. સમાલખાની પાવન ધરતી પર દેશ-વિદેશમાંથી ઉપસ્થિત થયેલા લાખો શ્રદ્ધાળુઓની હાજરીએ પ્રેમ-શ્રદ્ધા અને એકત્વનું અદ્વિતીય દ્રશ્ય સર્જ્યું હતું. સદગુરૂના પાવન દર્શન કરીને શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ઊઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ-સમર્પણ તથા આત્મિક આનંદથી પ્રકાશિત થઈ ગયું હતું. સદગુરૂ અને ગુરૂસિખનો આ પાવન મિલાપ પ્રેમ-માનવતા અને વિશ્વબંધુત્વની ભાવનાને સાકાર કરતો જોવા મળ્યો હતો. 
દરેક પરિસ્થિતિમાં અડગ રહેવું એ જ સાચી ભક્તિ છે..
સદગુરૂ માતાજીએ શ્રદ્ધાળુ ભક્તોને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આત્માનું પરમાત્મા સાથે મિલન અને પ્રત્યેક ક્ષણે નિરાકાર પ્રભુનો અનુભવ કરવો એ જ આધ્યાત્મિક જીવનનો સાર છે. પરમાત્મા અચળ સત્ય છે, જ્યારે આપણી ઇચ્છાઓ અને પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં શ્રદ્ધા જાળવી રાખવી સરળ હોય છે પરંતુ સાચી ભક્તિ એ જ છે જે દરેક પરિસ્થિતિમાં અડગ રહે છે. માતાજીએ વધુમાં કહ્યું હતું કે બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થતી જાગૃતિ જીવનભર સજાગ અને સભાન રહેવાની પ્રેરણા આપે છે. આ જાગૃતિ આપણા વ્યવહાર-નિર્ણયો અને સામાજિક જીવનમાં પણ સ્પષ્ટપણે દેખાવી જોઈએ.
અન્યાય સામે ઊભા રહેતી વખતે આપણે આપણા હેતુનું આત્મપરીક્ષણ કરવું જોઈએ કે આપણો પ્રયાસ ખરેખર ભલાઈ માટે છે કે પછી તેની પાછળ અહંકાર-સ્વાર્થ અને દેખાડાની ભાવના રહેલી છે. વિચારોમાં ભિન્નતા હોવા છતાં દરેક વ્યક્તિમાં પરમાત્માનો અંશ જોઈને તેને અપનાવવો એ નિઃસ્વાર્થ પ્રેમની સાચી ઓળખ છે.
જીવનમાં આધ્યાત્મિક જાગૃતિનું મહત્વ..
સદગુરૂ માતાજીના દિવ્ય પ્રવચનો પહેલાં નિરંકારી રાજપિતા રમિતજીએ જાગૃતિનો સંદેશ આપતાં સમજાવ્યું કે જીવનમાં જ્યાં પરિવર્તન શક્ય હોય ત્યાં સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ અને જ્યાં પરિવર્તન શક્ય ન હોય ત્યાં પરિસ્થિતિઓને સહજતાથી સ્વીકારવાની ક્ષમતા કેળવવી જોઈએ. રાજપિતાજીએ વધુમાં જણાવ્યું કે મનુષ્ય સંસારની જરૂરિયાતો અને ભૌતિક સુખ-સુવિધાઓ પ્રત્યે તો સજાગ રહે છે પરંતુ ઘણી વખત પોતાની આત્માની વાસ્તવિક તરસને અવગણી દે છે. પરમાત્માના પ્રેમ અને તેની સર્વવ્યાપકતાને ઓળખવી-અહંકારનો ત્યાગ કરવો તથા સાચી જિજ્ઞાસા-શ્રદ્ધા અને સમર્પણ સાથે જીવન જીવવું એ જ વાસ્તવિક આધ્યાત્મિક જાગૃતિ છે.
હરિયાણાના મુખ્યમંત્રીએ સદગુરૂનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા..
આ પાવન અવસરે હરિયાણાના માનનીય મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ સદગુરૂના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અનેક નગરસેવકો અને ધારાસભ્યોએ પણ નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીનાં પાવન દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
દિવ્યાંગ સંત-મહાત્માઓ માટે વિશેષ વ્યવસ્થાઓ..
સમાગમમાં દિવ્યાંગ સંત-મહાત્માઓની સુવિધા માટે તમામ પ્રવેશદ્વારો પર વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ સરળતાથી સમારોહ સ્થળ સુધી પહોંચી શકે, તેમના રહેવા-ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત કાર્યક્રમો નિહાળવા માટે એલ.ઈ.ડી.સ્ક્રીનો પણ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત સમાગમ દરમિયાન તેમને સદગુરૂનાં પાવન દર્શનનો લાભ પણ પ્રાપ્ત થયો હતો.
કાઇરોપ્રેક્ટિક શિબિર અને આરોગ્ય સેવાઓ..
નિરંકારી સંત સમાગમમાં મિશનના આરોગ્ય અને સમાજકલ્યાણ વિભાગ દ્વારા વ્યાપક તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમાગમ પરિસરમાં આઠ એલોપેથિક અને છ હોમિયોપેથિક દવાખાનાં, ૧૫ પ્રાથમિક સારવાર કેન્દ્રો, એક કાઇરોપ્રેક્ટિક શિબિર તથા આઈસીયુની ૧૫ સુવિધાઓ સહિત ૧૨૦ પથારી ધરાવતી અસ્થાયી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી.કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક સારવાર માટે સંત નિરંકારી મિશનની ૧૨ અને હરિયાણા સરકારની ૩૦ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં
આવી હતી, આમાંથી ૧૫ એમ્બ્યુલન્સ વેન્ટિલેટરથી સજ્જ હતી. સમાગમ દરમિયાન કાઇરોપ્રેક્ટિક શિબિરમાં ભારત અને વિદેશના નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ અર્પણ કરી હતી. આ નિઃસ્વાર્થ તબીબો દ્વારા આપવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની સારવારથી
હજારો બીમાર લોકોએ લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત કાન-નાક-ગળા (ઈએનટી), નેત્રરોગ, બાળરોગ, દંતચિકિત્સા અને મનોચિકિત્સા સહિત વિવિધ ક્ષેત્રોના વરિષ્ઠ નિષ્ણાત તબીબોની ટીમે શ્રદ્ધાળુઓને વ્યાપક અને યોગ્ય આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી.
સામૂહિક ભોજન અને કેન્ટીનની સુચારૂ વ્યવસ્થાઓ..
સમાગમ પરિસરમાં ચાર સ્થળોએ સામૂહિક ભોજન એટલે કે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં લાખો શ્રદ્ધાળુઓને દિવસ-રાત ભોજન પીરસવામાં આવતું હતું. તમામ શ્રદ્ધાળુઓને એકસાથે બેસીને ભોજન ગ્રહણ કરતા જોઈને ‘વસુધૈવ કુટુંબકમ્’ સમગ્ર વિશ્વ એક પરિવાર છે ની ભાવના સાકાર થતી જોવા મળી હતી. આ ઉપરાંત ૨૨ કેન્ટીનમાં રાહતદરે અલ્પાહાર, ચા, કૉફી અને મિનરલ વૉટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. આ તમામ સુચારૂ વ્યવસ્થાઓએ શ્રદ્ધાળુઓની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સાથે સેવા-સમાનતા અને પરસ્પર સહયોગની ભાવનાને પણ ઉજાગર કરી હતી.
રીપોર્ટઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




