માતૃત્વ બાદ મહિલાઓના શરીર પર સવાલ ‘બાઉન્સ બેક ક્યાંથી?’ કેટરિનાએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ દીકરાના જન્મ બાદ શરીર અંગેની ટીકાઓ પર કેટરિનાએ મૌન તોડ્યું, વિકીના પણ વખાણ કર્યા અભિનેત્રી કેટરિના કૈફે એવા લોકો સામે સવાલ ઉઠાવ્યો છે, જેઓ અપેક્ષા રાખે છે કે બાળકના જન્મ પછી મહિલાઓએ તરત જ પોતાના શરીરને પહેલાં જેવું બનાવી લેવું જાેઈએ. કેટરિનાએ આવા લોકોને સવાલ પૂછતાં કહ્યું, “બાઉન્સ બેક? ક્યાંથી?” અભિનેત્રી ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પુત્ર વિહાનની માતા બની હતી. તેણે વોગ સાથેની વાતચીતમાં બાળકના જન્મ પછી મહિલાઓના શરીરમાં થતા ફેરફારોને લઈને કરવામાં આવતી ટિપ્પણીઓ, માતૃત્વ અને પર્સનલ તથા પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન જાળવવા વિશે વાત કરી હતી.સપ્ટેમ્બરમાં અંબાણી પરિવારના ગણેશ ચતુર્થીના ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કેટરિનાને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકના જન્મને એક વર્ષથી ઓછો સમય થયો હોવા છતાં અભિનેત્રીના દેખાવ અંગે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જાેકે, કેટરિનાનું કહેવું છે કે તે લોકોના અભિપ્રાયોથી પ્રભાવિત થવાને બદલે પોતાના જીવનના આ ખાસ તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.કેટરિનાએ કહ્યું કે, “આપણે એવી દુનિયામાં રહીએ છીએ, જે બદલાતા અભિપ્રાયોના પવન સાથે આપણને ગમે ત્યાં ઉડાડવા માગે છે.” તેણે ઉમેર્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે બાળકને જન્મ આપ્યા પછી મહિલાના શરીરમાં શારીરિક ફેરફારો થાય છે. જાે આ જાણકારી હોવા છતાં લોકો મહિલાઓના શરીર વિશે કઠોર ટિપ્પણીઓ કરવાનું પસંદ કરે છે, તો કેટરિનાના મતે આ જાણકારીના અભાવને બદલે તેમની પોતાની પસંદગી છે.કેટરિનાનો અન્ય લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે પોતાની ફિટનેસ જર્નીને ઉતાવળમાં આગળ વધારવાનો કોઈ ઇરાદો નથી. તેના માટે માતૃત્વ જીવનમાં આગળ વધવાનું એક પગલું છે, નહીં કે એવો તબક્કો જેને પાછળ છોડવાની જરૂર હોય.કેટરિના માટે માતા બનવું જીવનનો અત્યંત અંગત અને ખાસ અનુભવ રહ્યો છે. તેણે પોતાના પુત્રને પહેલીવાર જાેયો ત્યારે અનુભવેલી લાગણીઓને યાદ કરી હતી. સાથે જ તેણે વિકી કૌશલ સાથે પરિવાર શરૂ કરવા માટે કરેલી લાંબી સફર વિશે પણ વાત કરી હતી.કેટરિનાએ કહ્યું, “બાળકને જન્મ આપ્યા પછીના શરૂઆતના દિવસોમાં વિહાનનો ચહેરો જાેવો અને એ જાણવું કે મારા અને વિકીના ચાર વર્ષના સફરનું પરિણામ આ છે, એ લાગણીને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”અભિનેત્રી પોતાની ફિટનેસ પ્રત્યે સભાન છે, પરંતુ તે તેના માટે કોઈ બિનજરૂરી દબાણ ઊભું નથી કરવા માંગતી. તે જાણે છે કે જ્યારે તેનું શરીર સૌથી વધુ સ્વસ્થ અને ઊર્જાવાન હોય છે ત્યારે તેને કેવું લાગે છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેણે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરી.તેણે કહ્યું, “હું મારી ફિટનેસ જર્ની અને મારા શરીરને સૌથી વધુ ઊર્જાવાન અનુભવવા માટે શું જરૂરી છે તે અંગે ખૂબ જ સભાન છું. હું મારી ગતિએ ત્યાં સુધી પહોંચી જઈશ.”કેટરિનાએ પતિ વિકી કૌશલ વિશે પણ પ્રેમથી વાત કરી હતી. તેણે વિકીને એક અદ્ભુત જીવનસાથી ગણાવ્યો હતો, જે તેને પોતાની જાત બનવાની સ્વતંત્રતા આપે છે અને તેની વાત ધ્યાનથી સાંભળે છે.કેટરિનાએ વિકીના પારિવારિક મૂલ્યો અને પ્રામાણિકતાના પણ વખાણ કર્યાં હતાં. મજાકિયા અંદાજમાં તેણે કહ્યું કે વિકી વ્યવહારમાં સમજદાર છે, જ્યારે તે પોતાને માત્ર સિદ્ધાંતમાં સમજદાર માને છે. તેણે પિતા તરીકે વિકીની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.




