ભાવનગરના આકાશમાં વાયુસેનાનો જલવો ૯ વિમાનો સાથે ‘સૂર્ય કિરણ’ ટીમે બતાવ્યા દિલધડક કરતબ આકાશમાં એકસાથે ઉડતાં વિમાનોના દિલધડક પ્રદર્શનને નિહાળવા માટે બોરતળાવના કિનારે નાગરિકો ઉમટ્યા
શહેરના બોરતળાવ ખાતે રવિવારે ભારતીય વાયુસેના દ્વારા ‘સૂર્ય કિરણ’ એર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા આ એર શોમાં વાયુસેનાની પ્રખ્યાત એરોબેટિક્સ ટીમે નવ વિમાનો સાથે આકાશમાં અદભુત કરતબો રજૂ કર્યા હતા. આકાશમાં એકસાથે ઉડતાં વિમાનોના દિલધડક પ્રદર્શનને નિહાળવા માટે બોરતળાવના કિનારે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા.
‘સૂર્ય કિરણ’ એશિયાની એકમાત્ર ક્લોઝ ફોર્મેશન એરોબેટિક્સ ટીમ છે. આ ટીમના નવ વિમાનોએ એકસાથે આકાશમાં ઉડાન ભરી વિવિધ પ્રકારના એરોબેટિક્સ કરતબો રજૂ કર્યા હતા. શોનું મુખ્ય આકર્ષણ નવેય વિમાનોનું અત્યંત નજીકના અંતરે એકસાથે ક્લોઝ ફોર્મેશનમાં ઉડાન ભરવાનું રહ્યું હતું. પાઇલટ્સે ચોકસાઈ અને તાલમેલ સાથે વિવિધ આકાશી આકૃતિઓ રચીને ઉપસ્થિત લોકોને રોમાંચિત કર્યા હતા.
એર શો દરમિયાન નવ વિમાનોને બે અલગ-અલગ ટુકડીઓમાં વહેંચવામાં આવ્યાં હતાં. બંને ટુકડીઓ અલગ દિશામાંથી સામસામે આવીને વિવિધ એરોબેટિક્સ કરતબો રજૂ કરતી જાેવા મળી હતી. આકાશમાં વિમાનો દ્વારા રચવામાં આવેલી વિવિધ આકૃતિઓ અને ત્રિરંગાની રચનાએ કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપ્યું હતું. વિમાનોના પ્રદર્શન દરમિયાન બોરતળાવ ખાતે ઉપસ્થિત નાગરિકોએ તાળીઓના ગડગડાટ સાથે વાયુસેનાના પાઇલટ્સનું અભિવાદન કર્યું હતું.
સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ અંગે માહિતી આપતાં ટીમના ફાઇટર પાઇલટ સ્ક્વોડ્રન લીડર વિક્રમે જણાવ્યું હતું કે, સૂર્ય કિરણ એશિયાની એકમાત્ર ક્લોઝ ફોર્મેશન એરોબેટિક્સ ટીમ છે. આ ટીમ દ્વારા નવ વિમાનો સાથે એકસાથે આકાશમાં વિવિધ પ્રકારના કરતબો રજૂ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, નજીકના અંતરે વિમાનોનું એકસાથે ઉડાન ભરવું અને વિવિધ રચનાઓ તૈયાર કરવી એ આ શોની વિશેષતા છે.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ત્રણેય સેનાઓ આધુનિક, સક્ષમ અને આર્ત્મનિભર બની રહી છે. ભાવનગરને આ પ્રકારનો ભવ્ય એર શો નિહાળવાની તક આપવા બદલ તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભાવનગર અને બોટાદ સહિત સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરિકોને આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તૈયારીઓ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહાનગરપાલિકાના કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, આગેવાન દિવ્યેશ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




