સોશિયલ મીડિયા પર આતંકી સંગઠનનો જવાબદારીનો દાવો ગાઝિયાબાદની વસુંધરા પોલીસ ચોકીમાં પ્રચંડ વિસ્ફોટ વિસ્ફોટથી પોલીસ ચોકીની બારીઓના કાચ તૂટ્યા, દીવાલમાં પડી તિરાડો; ડિલિવરી બોય ઘાયલ, ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શુક્રવારે રાત્રે વસુંધરા પોલીસ ચોકીમાં જાેરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પોલીસ ચોકીની બે બારીઓના કાચ તૂટી ગયા હતા અને એક દીવાલમાં તિરાડો પડી હતી. ઘટનામાં એક ડિલિવરી બોય ઘાયલ થયો હતો. બીજી તરફ, સોશિયલ મીડિયા પર તહરીક-ઉલ-મુજાહિદ્દીન હિન્દુસ્તાન નામના સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી હોવાનો દાવો સામે આવ્યો છે. જાેકે, પોલીસે આ દાવાની હજુ સુધી પુષ્ટિ કરી નથી. મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે લગભગ ૯ વાગ્યે વસુંધરા પોલીસ ચોકીના પાછળના ભાગમાં આ વિસ્ફોટ થયો હતો. આ સ્થળે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવે છે. વિસ્ફોટ સમયે પોલીસ ચોકીમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને પાર્સલ આપવા પહોંચેલો ડિલિવરી બોય હાજર હતા. વિસ્ફોટમાં ડિલિવરી બોયને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સ્થળ પરથી વિવિધ પુરાવા અને નમૂના એકત્ર કર્યા છે, જેને વધુ તપાસ માટે આગ્રા મોકલવામાં આવ્યા છે. ઈન્દિરાપુરમના એસીપી સૂર્યબલી મૌર્યના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનું ચોક્કસ કારણ સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાશે. પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ એર કન્ડિશનરના કોમ્પ્રેસરને કારણે થયો હોવાનું સામે આવ્યું નથી. આથી પોલીસે તપાસનો વ્યાપ વધારી દીધો છે. પોલીસ ચોકી જેવા સંવેદનશીલ સ્થળે વિસ્ફોટ થતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. આ ઘટનાની તપાસમાં પોલીસ સામે વધુ એક પડકાર ઊભો થયો છે. વસુંધરા પોલીસ ચોકીની આસપાસના વિસ્તારમાં CCTV કેમેરા ન હોવાની માહિતી સામે આવી છે. પોલીસ ચોકીના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવેલા કેમેરામાં ઘટનાને લગતા કોઈ ફૂટેજ રેકોર્ડ થયા છે કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી. પરિણામે, વિસ્ફોટ પહેલાં અને ત્યારબાદની ગતિવિધિઓની માહિતી મેળવવા પોલીસને મુશ્કેલી પડી શકે છે. વિસ્ફોટ બાદ સોશિયલ મીડિયા પર Ghazi 2 નામના X એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં તહરીક-ઉલ-મુજાહિદ્દીન હિન્દુસ્તાન નામના સંગઠને વસુંધરા પોલીસ ચોકીમાં થયેલા વિસ્ફોટની જવાબદારી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાેકે, આ પોસ્ટની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાની વિશ્વસનીયતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ પોસ્ટ કોણે કરી, તેની પાછળનો હેતુ શું છે અને ઉલ્લેખિત સંગઠનની ખરેખર કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.




