સોશિયલ મીડિયા પર છવાઈ સુંદર તસવીરો આલિયા-રણબીરની લાડલી રાહાનો ધામધૂમથી ઉજવાયો ચોથો જન્મદિવસ સોનુ સૂદ સહિત અનેક સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ બોલિવૂડના લોકપ્રિય સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડલી દીકરી રાહા કપૂરે પોતાનો ચોથો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગની સુંદર તસવીરો આલિયાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં આખો પરિવાર ખુશીથી જન્મદિવસની ઉજવણી કરતો જાેવા મળી રહ્યો છે. રાહાના જન્મદિવસની આ તસવીરો સામે આવતાં જ ચાહકો અને ફિલ્મી સિતારાઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં રણબીર અને આલિયા પોતાની દીકરી રાહાને ખોળામાં લઈને બર્થડે કેક કાપતા જાેવા મળે છે. આ પ્રસંગે ખાસ ટૂ-ટિયર કેક તૈયાર કરવામાં આવ્યો હતો. કેક પર આલિયા, રણબીર અને રાહાની તસવીરો પણ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત રાહા જન્મદિવસની ઉજવણી દરમિયાન મસ્તી કરતી અને અહીં-તહીં દોડતી પણ જાેવા મળી રહી છે. જન્મદિવસની તસવીરોમાં એક તસવીર ખાસ ધ્યાન ખેંચી રહી છે, જેમાં આલિયા પોતાની લાડલીને ભેટીને કિસ કરતી જાેવા મળે છે. બીજી તસવીરમાં રાહા રંગો વડે મેઘધનુષ્ય બનાવતી જાેવા મળે છે, જ્યારે આલિયા તેને પ્રોત્સાહિત કરતી નજરે પડે છે. પાછળ લાગેલા બેનર પર રાહાના ચોથા જન્મદિવસનો ઉલ્લેખ પણ જાેવા મળે છે. રાહાના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકોએ શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું હતું. સોનુ સૂદથી લઈને દિશા પરમાર સહિત અનેક જાણીતા કલાકારોએ કમેન્ટ કરીને રાહાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ચાહકોએ પણ આલિયા, રણબીર અને રાહાની તસવીરો પર પ્રેમ વરસાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ ૨૦૨૨માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના બાદ નવેમ્બર ૨૦૨૨માં તેમના ઘરે દીકરી રાહાનો જન્મ થયો હતો. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર દીકરી સાથેની ખાસ પળો શેર કરતા રહે છે. જાેકે, તેઓ રાહાની પ્રાઇવસીનું પણ ખાસ ધ્યાન રાખે છે. રાહાના જન્મદિવસની ઉજવણીમાં આલિયા ભટ્ટનો અંદાજ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ પ્રસંગે તેણે સમર અવે બ્રાન્ડનો મિરાબેલ ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. વી-નેકલાઇન, થ્રી-ક્વાર્ટર સ્લીવ્ઝ અને રફલ ડિઝાઇન ધરાવતા આ ડ્રેસ સાથે તેણે સ્કાર્ફ પણ પહેર્યો હતો. વેવી હેરસ્ટાઇલ, ન્યૂડ મેકઅપ અને પિંક લિપસ્ટિક સાથે આલિયાએ પોતાનો લુક સાદો અને આકર્ષક રાખ્યો હતો.




