કેન્દ્રીય મંત્રી લલનસિંહની જાહેરાતથી રાજકીય ગરમાવો સરકારી યોજનાના લાભ માટે આધારનું સ્થાન મતદાર કાર્ડ લેશે : કેન્દ્રીય મંત્રી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલો સરકારી યોજનાઓના લાભાર્થીઓની ઓળખ અને તેમને મળતી સહાયની ચુકવણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવાના સંકેત મળ્યા છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજનસિંહ ઉર્ફે લલનસિંહે જણાવ્યું હતું કે હવે લાભાર્થીઓને ઓળખવા માટે આધાર કાર્ડને બદલે મતદાર ઓળખપત્ર (EPIC) નંબર અને બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ કરવામાં આવશે. મંત્રીની આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી અને વિપક્ષે સરકારને સવાલોના ઘેરામાં લીધી હતી. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની વર્કશોપમાં સંબોધન દરમિયાન લલનસિંહે કહ્યું હતું કે આધાર કાર્ડ બનાવવાની સુવિધા હવે દરેક વિસ્તારમાં ઉપલબ્ધ છે અને માત્ર પાંચ મિનિટમાં આધાર કાર્ડ બનાવી શકાય છે. આવી સ્થિતિમાં લાભાર્થીઓની ઓળખ માટે માત્ર આધાર પર ર્નિભર રહેવાને બદલે મતદાર ઓળખપત્રના EPIC નંબર અને બાયોમેટ્રિક વિગતોનો ઉપયોગ કરવામાં આવશે. તેમના નિવેદન મુજબ, લાભાર્થીઓની ઓળખની ચકાસણી કર્યા બાદ તેમના ખાતામાં સરકારી સહાયની રકમ જમા કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીની જાહેરાત બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે મતદાર યાદીમાંથી જેમનાં નામ દૂર થઈ ગયાં છે અથવા જેમની પાસે મતદાર ઓળખપત્ર નથી, તેઓ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જશે તો તેની જવાબદારી કોની રહેશે? રાહુલ ગાંધીએ રાશન, પેન્શન અને મનરેગા જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી હતી કે મતદાર ઓળખપત્રને લાભ મેળવવાનો આધાર બનાવવાથી જરૂરિયાતમંદ લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બાળકો પણ સરકારી યોજનાઓના લાભાર્થી હોય છે, પરંતુ તેમની પાસે મતદાર ઓળખપત્ર હોતું નથી. આવી સ્થિતિમાં મધ્યાહન ભોજન જેવી યોજનાઓનો લાભ કેવી રીતે મળશે? વિપક્ષના વિરોધ અને રાજકીય ચર્ચા વચ્ચે લલનસિંહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આધાર કાર્ડને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી રહ્યું નથી. સરકારનો હેતુ લાભાર્થીઓની ઓળખ વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. આ માટે મતદાર ઓળખપત્રના EPIC નંબર સાથે બાયોમેટ્રિક આધારિત આધાર ચકાસણીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય વચેટિયાઓની ભૂમિકા દૂર કરીને સરકારી યોજનાઓનો લાભ સીધો અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. હાલમાં આ વ્યવસ્થા કઈ-કઈ સરકારી યોજનાઓમાં લાગુ થશે, તેનો સંપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો નથી. નવી વ્યવસ્થાનો વ્યાપ, અમલીકરણની તારીખ અને મતદાર ઓળખપત્ર ન ધરાવતા લાભાર્થીઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે. તેથી આધાર કાર્ડની જગ્યાએ સમગ્ર દેશમાં તમામ સરકારી યોજનાઓ માટે મતદાર કાર્ડ ફરજિયાત થઈ જશે એવું હાલ માનવું યોગ્ય નથી. આ મુદ્દે હવે સરકારની સત્તાવાર માર્ગદર્શિકા મહત્ત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મતદાર યાદીમાં નામ ન ધરાવતા પાત્ર લાભાર્થીઓને સરકારી સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.




