યમુના ક્રૂઝ દિલ્હીમાં રિવર ટૂરિઝમની નવી લહેરનો સંકેત આપે છે: સર્વાનંદ સોનોવાલ
દિલ્હીના રિવરફ્રન્ટને આકર્ષક જાહેર સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ: રેખા ગુપ્તા
પોસ્ટેડ ઓન: 10 NOV 2026 5:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે અહીં સોનિયા વિહાર ખાતે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ઉપસ્થિતિમાં યમુના નદી પર તેની પ્રથમ રિક્રિએશનલ (મનોરંજક) યમુના રિવર ક્રૂઝ સેવાનું ઉદ્ઘાટન કરીને દિલ્હીની નદી-આધારિત પ્રવાસન ઓફરોનો વિસ્તાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું.
સોનિયા વિહાર-જગતપુર વિસ્તાર વચ્ચે વિકસાવવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ્ય રહેવાસીઓ અને મુલાકાતીઓને રાષ્ટ્રીય રાજધાનીનો અનુભવ કરવાનો એક નવો માર્ગ પૂરો પાડવાની સાથે યમુનાની પ્રવાસન અને મનોરંજક ક્ષમતાને ખુલ્લી કરવાનો છે. આ લોન્ચિંગ ભારતના નદીઓને પ્રવાસન, મુસાફરોના પરિવહન અને આર્થિક પ્રવૃત્તિઓ માટેના જીવંત માર્ગો તરીકે વિકસાવવાના કેન્દ્રના પ્રયાસોમાં વધુ એક માઇલસ્ટોન ચિહ્નિત કરે છે.
ઉદ્ઘાટન સમારંભમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનૂ ઠાકુર; માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા; જાહેર બાંધકામ વિભાગ અને સિંચાઈ તથા પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહ; પ્રવાસન મંત્રી કપિલ મિશ્રા; વન અને પર્યાવરણ તથા ઉદ્યોગ મંત્રી મનજિંદર સિંહ સિરસા અને સંસદસભ્ય મનોજ તિવારી સાથે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમાર; દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજીવ વર્મા અને ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ (IWAI) ના અધ્યક્ષ સુશીલ કુમાર લોહાની સહિત કેન્દ્ર અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની વિશાળ આંતરદેશીય જળમાર્ગોની ક્ષમતાનો ઉપયોગ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતની નદીઓ અને આંતરદેશીય જળમાર્ગો આર્થિક વૃદ્ધિ, પ્રવાસન અને ટકાઉ કનેક્ટિવિટીના મહત્વપૂર્ણ પ્રેરક બળ તરીકે ઉભરી રહ્યા છે. યમુના પર દિલ્હીની પ્રથમ રિક્રિએશનલ ક્રૂઝ સેવાનો શુભારંભ લોકોને આપણી નદીઓ સાથે ફરીથી જોડવા અને તેમની અસીમ ક્ષમતાઓને ખુલ્લી મૂકવા તરફનું વધુ એક પગલું છે. આ લોન્ચિંગ શહેરમાં રિવર ટૂરિઝમના નવા તરંગનો સંકેત આપે છે. સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ ગતિશીલતા (મોબિલિટી) પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને આગળ ધપાવતી વખતે આપણે જળમાર્ગોને પ્રવાસન, વેપાર અને આજીવિકાના માર્ગોમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. વિકસિત ભારતના નિર્માણના આપણા વિઝનનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે,” સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટમાં 30-સીટર ઇલેક્ટ્રિક ક્રૂઝ વેસલ સામેલ છે જે મુલાકાતીઓને નદીના આશરે 6-કિલોમીટરના રાઉન્ડ-ટ્રિપ વિસ્તારમાં નયનરમ્ય અનુભવ આપે છે. ઇલેક્ટ્રિક-સંચાલિત વેસલ્સનો ઉપયોગ સ્વચ્છ અને ટકાઉ ગતિશીલતા માટે આંતરદેશીય જળમાર્ગોની ક્ષમતાને ઉજાગર કરે છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પહેલ દિલ્હીના પ્રવાસન પરિદ્રશ્યમાં એક નવો અયામ ઉમેરશે અને યમુના સાથે જન જોડાણને મજબૂત કરશે.
“યમુના એ દિલ્હીના ઇતિહાસ, સંસ્કૃતિ અને ઓળખનો એક અવિભાજ્ય ભાગ છે. આ રિક્રિએશનલ ક્રૂઝ સેવા રહેવાસીઓ અને મુલાકાતીઓને નદીનો અનુભવ કરવાનો એક નવો માર્ગ પૂરો પાડશે તેમજ પ્રવાસન અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ માટે નવી તકો ઊભી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ, આપણે દિલ્હીના રિવરફ્રન્ટને વધુ સારી સુવિધાઓ, ટકાઉ માળખાકીય સુવિધાઓ અને શહેરના વારસાની ઉજવણી કરતા અનુભવો સાથે આકર્ષક જાહેર સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ,” એમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું.
વ્યાપક ઇકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે કલ્પના કરાયેલા, યમુના પ્રોજેક્ટમાં મનોરંજક આકર્ષણો અને મુલાકાતી સુવિધાઓની શ્રેણી સામેલ છે. મ્યુઝિકલ ફાઉન્ટેન એક મુખ્ય આકર્ષણ છે જેમાં સૂર્ય દેવ, યમ અને શ્રી કૃષ્ણની દિવ્ય લીલા, ખાસ કરીને સુપ્રસિદ્ધ કાલિયા દમન સાથેના તેના જોડાણ સહિત યમુનાના ઇતિહાસ અને આધ્યાત્મિક મહત્વને દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો દર્શાવવામાં આવ્યો છે.
આ સ્થળમાં ફૂડ કોર્ટ, શોપિંગ એરિયા, બાળકો માટે પ્લે ઝોન અને સ્કેટિંગ તથા રોક ક્લાઇમ્બિંગ સહિતની એડવેન્ચર સ્પોર્ટ્સ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. મુલાકાતીઓને અનુકૂળ અનુભવ પૂરો પાડવા માટે આધુનિક ફ્લોટિંગ જેટી, સમર્પિત ટિકિટ કાઉન્ટર અને ઓનલાઈન બુકિંગ સુવિધાઓ, રેસ્ટરૂમ, પ્રતીક્ષા વિસ્તારો અને પ્રકાશિત પહોંચ માર્ગો સામેલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય જળમાર્ગ કાયદા, 2016 હેઠળ યમુનાને નેશનલ વોટરવે-110 તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ક્રૂઝ સેવાનો શુભારંભ રાષ્ટ્રીય રાજધાનીમાં મનોરંજક નેવિગેશન અને નદી-આધારિત પ્રવાસન માટે જળમાર્ગ વિકસાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ચિહ્નિત કરે છે.
આ પહેલ ભારતના આંતરદેશીય જળમાર્ગોના વ્યાપક રાષ્ટ્રીય રૂપાંતરણનો એક ભાગ છે. રાષ્ટ્રીય જળમાર્ગો પર કાર્ગોનું પરિવહન 2013-14 માં 18 મિલિયન મેટ્રિક ટનથી વધીને 2025-26 માં 218 મિલિયન મેટ્રિક ટન થયું છે, જે દેશના લોજિસ્ટિક્સ નેટવર્કમાં જળમાર્ગોની વધતી જતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. જળમાર્ગો પર માલસામાનના પરિવહનનો ખર્ચ અંદાજે ₹1.06 પ્રતિ ટન-કિલોમીટર છે, જેની સરખામણીમાં રેલ દ્વારા ₹1.41 અને માર્ગ દ્વારા ₹2.28 છે, આંતરદેશીય નેવિગેશન માલસામાનના પરિવહન માટે ખર્ચ-અસરકારક વિકલ્પ પૂરો પાડે છે.
રિવર ક્રૂઝ ટૂરિઝમ એ આ વિસ્તરણનો બીજો ઉભરતો અયામ છે. રાત્રિ રોકાણની મુસાફરી ઓફર કરતા રિવર ક્રૂઝ વેસલ્સની સંખ્યા 2013-14 માં પાંચથી વધીને 2025-26 માં 26 થઈ ગઈ છે. એમવી ગંગા વિલાસ (MV Ganga Vilas) ની ઐતિહાસિક સફર, જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશમાં 3,200 કિલોમીટરથી વધુ અંતર આવરી લેતી આ સફરે 50 પ્રવાસન સ્થળોને જોડ્યા, બે દેશો, પાંચ રાજ્યો અને 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થઈ.
રિક્રિએશનલ યમુના રિવર ક્રૂઝ સર્વિસ દિલ્હી વિકાસ પ્રાધિકરણ (DDA), દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન, દિલ્હી જલ બોર્ડ અને દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના સહયોગથી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ (IWAI) દ્વારા વિકસાવવામાં આવી છે.




