દર મહિને ૭ દિવસ ઉત્તર પ્રદેશમાં રહેશે, મિશન યુપી ૨૦૨૭ માટે અમિત શાહ મેદાનમાં મહિલા મતદારો અને સીટ શેરિંગ પર ખાસ ફોકસ રહેશે ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭ની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની છે. રાજ્યમાં સતત બે ટર્મ બાદ ફરી સત્તા મેળવી હેટ્રિક નોંધાવવા માટે ભાજપે જમીની સ્તરે કવાયત શરૂ કરી છે. મથુરામાં યોજાયેલી મહત્વપૂર્ણ ચિંતન બેઠક બાદ મિશન યુપી ૨૦૨૭ની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભાળી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પ્રચારને વેગ આપવા અને જમીની સ્થિતિનો તાગ મેળવવા અમિત શાહ દર મહિને ઓછામાં ઓછા સાત દિવસ ઉત્તર પ્રદેશમાં વિતાવશે.
અમિત શાહના આ પ્રવાસો દરમિયાન બૂથ સ્તરના સંચાલન, સંગઠન અને સરકાર વચ્ચે સંકલન તેમજ પ્રાદેશિક સમીકરણો સાધવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમની સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જવાબદારી સોંપવાની તૈયારી ચાલી રહી છે, જેથી ચૂંટણી અગાઉ વિપક્ષની રણનીતિનો મજબૂત જવાબ આપી શકાય.
મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપે માઈક્રો-લેવલ આયોજન કર્યું છે, જે હેઠળ રાજ્યની તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો પર મહિલા કાર્યકરોને તૈનાત કરાશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ સાથે સીધો સંવાદ સાધીને રાજ્ય સરકારની કામગીરી રજૂ કરાશે. આ કવાયતના ભાગરૂપે રાજસ્થાનથી આશરે ૫૦ મહિલા કાર્યકરો ઉત્તર પ્રદેશ આવશે, જેમને લખનઉમાં ત્રણ દિવસની તાલીમ આપ્યા બાદ વિવિધ મતવિસ્તારોમાં મોકલાશે. આ કાર્યકરો રાજ્યમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણનો સંદેશ આપવા પર ભાર મૂકશે.
બીજી તરફ, ગઠબંધનના સહયોગી પક્ષો સાથે સીટ શેરિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સહયોગી દળો સાથે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત બ્રજેશ પાઠક (અપના દળ-એસ), પંકજ ચૌધરી (નિષાદ પાર્ટી) અને કેશવ પ્રસાદ મૌર્ય (સુભાસપા) સહિત ચાર નેતાઓને જવાબદારી સોંપાઈ છે.
બેઠકોની વહેંચણીમાં સંખ્યા ઉપરાંત પ્રાદેશિક સમીકરણ, સંગઠનની તાકાત અને ઉમેદવારની જીતવાની ક્ષમતા જેવા પરિબળો મહત્વના રહેશે, જેમાં આરએલડી માટે મહત્તમ ૧૮ અને સુભાસપા માટે લગભગ ૧૦ બેઠકો સુધીના વિકલ્પો અંગે ચર્ચા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે.




