દિલજીતે કોલ્ડપ્લેનો ઉલ્લેખ કરી વિરોધીઓને માર્યો ટોણો વિદેશી કલાકારો ગાય તો વાહ-વાહ અને હું ગાઉં તો પ્રતિબંધો કેમ? અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા શોમાં ડબલ સ્ટાન્ડર્ડ સામે દિલજીત દોસાંજે ઉઠાવ્યો સવાલ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રાત્રે યોજાયેલા ભવ્ય સંગીત કાર્યક્રમ દરમિયાન દિલજીતે તેના ગીતો પર લગાવાતા પ્રતિબંધો અને વિરોધ કરનારાઓને આડકતરી રીતે નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને ગયા વર્ષે આ જ સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લેના કાર્યક્રમનો ઉલ્લેખ કરીને તેણે વિરોધીઓના બેવડા વલણ સામે સવાલ ઉઠાવ્યો હતો.
શો દરમિયાન ચાહકો સાથે વાતચીત કરતાં દિલજીતે કહ્યું હતું કે વિદેશી ગાયકો ભારતમાં આવીને દારૂ અને પાર્ટી સાથે જાેડાયેલાં ગીતો ગાય ત્યારે કોઈને વાંધો આવતો નથી અને લોકો તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે. પરંતુ જ્યારે તે પોતાનાં ગીતો રજૂ કરે છે ત્યારે તેના પર અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવે છે. આ કેવો બેવડો માપદંડ છે તે સમજાતું નથી, તેવો કટાક્ષ પણ તેણે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દિલજીતના કાર્યક્રમ પહેલાં તેના ચાર ગીતોને લઈને વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આ ગીતોમાં દારૂ, નશા અને ગન કલ્ચરને પ્રોત્સાહન મળતું હોવાની આશંકાને પગલે કાર્યક્રમમાં આ ગીતો રજૂ ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દે દિલજીતે કાર્યક્રમ દરમિયાન હળવા અંદાજમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. દિલજીતે પોતાના નિવેદનમાં ગયા વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લેના કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે વિદેશી કલાકારો અહીં આવીને ડ્રિંક અને પાર્ટી સાથે જાેડાયેલાં ગીતો રજૂ કરે ત્યારે કોઈ વિરોધ કરતું નથી, પરંતુ તેના કિસ્સામાં અલગ માપદંડ અપનાવવામાં આવે છે. આ પ્રકારના ભેદભાવ સામે તેણે સવાલ ઉઠાવ્યો હતો.
દિલજીતે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેને કોઈની સાથે અંગત વાંધો નથી અને તે માત્ર પોતાનું કામ કરવા માગે છે. જાેકે, કોઈ તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો તે ચૂપ નહીં રહે અને યોગ્ય જવાબ આપશે તેવી ચેતવણી પણ તેણે આપી હતી. બીજી તરફ, તેણે પોતાની ભારતીય ઓળખ અંગે પણ વાત કરી હતી.
દિલજીતે કહ્યું હતું કે કેટલાક લોકો તેને વિદેશી ગણાવે છે, પરંતુ તેનો જન્મ ભારતમાં થયો છે અને તેની સાથે કામ કરતા બેન્ડના સભ્યો પણ ભારતીય છે. તે દુનિયાભરમાં ફરીને ભારતીય અને પંજાબી સંગીતને નવી ઓળખ અપાવવાનું કામ ચાલુ રાખશે. કાર્યક્રમ દરમિયાનના આ નિવેદનનો વીડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.




