યુટ્યુબર ધ્રુવ રાઠીને કોર્ટનો મોટો ઝટકો ૨૦૧૮ના માનહાનિ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર દિલ્હીની સાકેત કોર્ટે વર્ષ ૨૦૧૮ના માનહાનિ કેસમાં ધ્રુવ રાઠી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટે વર્ષ ૨૦૧૮ના માનહાનિ કેસમાં ધ્રુવ રાઠી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યું છે. ‘I Support Narendra Modi’નામનું સોશિયલ મીડિયા પેજ ચલાવતા વિકાસ પાંડેની ફરિયાદના આધારે કોર્ટે આ કાર્યવાહી કરી છે. આ કેસમાં આગામી સુનાવણી ૩ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર મામલો ધ્રુવ રાઠીના વર્ષ ૨૦૧૮માં પ્રકાશિત થયેલા ‘BJP IT Cell Part II‘ નામના વીડિયો સાથે જાેડાયેલો છે. ફરિયાદી વિકાસ પાંડેનો આરોપ છે કે આ વીડિયોમાં તેમના વિશે ખોટા અને માનહાનિકારક દાવા કરવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, વીડિયોમાં ભાજપના આઈટી સેલ દ્વારા વિકાસ પાંડેને લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ધ્રુવ રાઠીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ શેર કરવામાં આવ્યો હતો.
આ વિવાદમાં દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ જાેડાયું હતું. તેમણે ધ્રુવ રાઠીનો આ વીડિયો રિટ્વીટ કર્યો હતો. ત્યારબાદ વિકાસ પાંડેએ ધ્રુવ રાઠી અને અરવિંદ કેજરીવાલ બંને સામે માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી.
કોર્ટમાં ફરિયાદી પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ધ્રુવ રાઠી મુખ્યત્વે વિદેશમાં રહેતા હોવાથી લાંબા સમયથી તેમને સમન્સ પાઠવવામાં મુશ્કેલી પડી રહી છે. ગત ૧૨ ઓક્ટોબરે કોર્ટે સુનાવણી દરમિયાન ધ્રુવ રાઠીને હાથોહાથ સમન્સ પાઠવવાની અરજી મંજૂર કરી હતી. ત્યારબાદ સાકેત કોર્ટના ન્યાયાધીશ અનમ રઈસ ખાને હવે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૩ ડિસેમ્બરે યોજાશે. હવે આ સુનાવણીમાં કોર્ટ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.




