બાળકો બસમાંથી નીચે ઉતર્યા અને પાછળથી આવી ટ્રકે ટક્કર મારી આગ્રાથી કૌશાંબી પરત ફરી રહેલી સ્કૂલ બસને પાછળથી ટ્રકે મારી જાેરદાર ટક્કર ૨૪ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ ઈજાગ્રસ્ત, આચાર્ય સહિત બેની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગ્રાનો પ્રવાસ પૂર્ણ કરીને કૌશાંબી પરત ફરી રહેલી એક સ્કૂલ બસને પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બસની બહાર ઊભેલા ચાર વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ૨૪ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફના સભ્યો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત સવારે આશરે ૬ વાગ્યે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ૨૦૯ કટ નજીક બન્યો હતો. કૌશાંબી જિલ્લાના સિરાથુ ખાતે આવેલી ઓરિએન્ટ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આગ્રાના પ્રવાસે ગયા હતા. પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સ્કૂલ બસમાં સવાર થઈ કૌશાંબી પરત ફરી રહ્યા હતા.
દરમિયાન બાળકોને બાથરૂમ જવા માટે બસ રોકવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતરીને તેની આસપાસ ઊભા હતા. તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે બસને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે બસની નજીક ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓ ટ્રકની અડફેટે આવી ગયા હતા.
ભયાનક અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ તથા સ્કૂલ સ્ટાફને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
અકસ્મતમાં સ્કૂલના આચાર્ય સહિત એક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેની સ્થિતિ નાજુક હોવાથી તેમને તિર્વા મેડિકલ કોલેજમાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોની તિર્વા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માની જાણ થતાં કન્નૌજના જિલ્લા કલેક્ટર આશુતોષ મોહન અને પોલીસ અધિક્ષક વિનોદ કુમાર તિર્વા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.
બંને અધિકારીઓએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બાળકોની સારવારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને તબીબો પાસેથી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
પોલીસ અધિક્ષક વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, બસ આગ્રાથી કૌશાંબી તરફ પરત ફરી રહી હતી ત્યારે પાછળથી આવેલા ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે અને ૨૪ વિદ્યાર્થીઓ તથા સ્કૂલ સ્ટાફ ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.




