સ્ટેજ પરથી મુંબઈ પોલીસના કર્યા વખાણ બોમ્બની ધમકી વચ્ચે મુંબઈમાં દિલજીત દોસાંજનો શાનદાર શો ૨૭ નવેમ્બરે યોજાયેલો કોન્સર્ટ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન; ધમકીઓથી જાેશ ઓછો નહીં થવાનો દિલજીતનો હુંકાર પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજનો મુંબઈ ખાતેનો કોન્સર્ટ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને શાનદાર રીતે સંપન્ન થયો છે. ૨૭ નવેમ્બર, શુક્રવારે યોજાયેલા આ કોન્સર્ટને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ધમકીઓ મળી રહી હતી અને મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં હતી. શો દરમિયાન પહેલી વખત દિલજીત દોસાંજે પોતાને મળેલી ધમકી અંગે સ્ટેજ પરથી વાત કરી હતી અને તેનો વીડિયો પણ શેર કર્યો છે.
સ્ટેજ પરથી દિલજીત દોસાંજે જણાવ્યું હતું કે લોકો શોમાં ન આવે અને તેમને રોકી શકાય તે હેતુથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ આવી ધમકીઓથી તેમનો જાેશ ઓછો થતો નથી. આ તકે તેમણે રાહત ઇન્દોરીની શાયરી સંભળાવી હતી અને કહ્યું હતું કે દુશ્મનો ભલે તેમના પર બોમ્બ ફેંકે, પણ દિલજીત તરફથી તેમને પ્રેમ જ મળશે.
દિલજીત દોસાંજે સ્ટેજ પરથી મુંબઈ પોલીસના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ પોલીસની જવાબદારી અને મજબૂરી સમજે છે, અને તેથી જ શોમાં આવનાર દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા બદલ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે ૨૩ ઓક્ટોબરે મુંબઈના મેયરની ઓફિસમાં મળેલા એક ધમકીભર્યા ઈ-મેલમાં મેયર ઓફિસ, અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા‘ અને ૨૭ નવેમ્બરે દિલજીતના કોન્સર્ટમાં ગ્રેનેટથી હુમલો કરવાની ધમકી અપાઈ હતી, જેને પગલે કાર્યક્રમમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.




