નીતિન ગડકરીની મોટી જાહેરાત ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કાર મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના ર્નિણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો થયાનો દાવો કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે તેમને ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલવા સક્ષમ ટોયોટા ઇનોવા કારના લોન્ચિંગ માટે આમંત્રણ મળ્યું છે, જે આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે. ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે ઈથેનોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના સમર્થનની વાત ફરી કરી હતી.દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાલ વિશ્વના ૧૯ દેશોમાં ઈથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને હવે આ ઇંધણ વાપરતા વાહનો તરફથી કોઈ ફરિયાદો પણ મળી રહી નથી. ટોયોટાનું આ નવું વાહન ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલશે અને તેમાં ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ વાહનને ચલાવવાનો ખર્ચ આશરે રૂ. ૨૫ પ્રતિ લીટર પેટ્રોલની કિંમત જેટલો જ બેસી શકે છે.ટોયોટાએ તેની ભારતીય વેબસાઇટ પર ઓક્ટોબરના કોમર્શિયલ લોન્ચ અંગે અલગથી કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ઓટોમેકર કંપની છેલ્લા કેટલાક વર્ષાેથી આ ટેકનોલોજી પર કામ કરી રહી છે. અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં ટોયોટા કિર્લાેસ્કર મોટરે દિલ્હીમાં ઇનોવા હાઇક્રોસ પર આધારિત ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપ રજૂ કર્યાે હતો. આ વાહનમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન આપવામાં આવ્યું છે, જે ઈ૨૦થી વધુ ઈથેનોલ મિશ્રણ પર પણ કામ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, વિશિષ્ટ ટેસ્ટ કન્ડિશનમાં આ સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ લગભગ ૬૦ ટકા સમય માટે પેટ્રોલ એન્જિન બંધ રાખીને અને લગભગ ૪૦ ટકા અંતર ઇલેક્ટ્રિફાઇડ મોડ પર કાપી શકે છે.દિલ્હીના કાર્યક્રમમાં ગડકરીએ એવો પણ દાવો કર્યાે હતો કે ઈથેનોલના વધુ ઉપયોગથી કૃષિ ક્ષેત્રની કાચી સામગ્રીની માંગમાં વધારો થશે. મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના ર્નિણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો થયો છે. સરકારની નીતિ ઘરેલું ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઇંધણ પરની ર્નિભરતા ઘટાડવાની હોવી જાેઈએ. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા દાયકામાં સરકારે ઈથેનોલ ઉત્પાદન માટે શેરડી આધારિત ઉત્પાદનો, નુકસાન પામેલા અનાજ, મકાઈ અને વધારાના ચોખા જેવા વિવિધ વિકલ્પોનો વ્યાપ વધાર્યાે છે, જેના કારણે દેશમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા ૨૦૧૪ના ૪૨૧ કરોડ લીટરથી વધીને ૨૦૨૬માં આશરે ૨,૦૦૦ કરોડ લીટર સુધી પહોંચી ગઈ છે.




