
હોસ્પિટલના બેડ પર સૂતા-સૂતા કર્યો અભ્યાસ કેન્સરની સામે લડી આરવે ધો.૧૦માં ૯૬.૬% મેળવ્યા આરવે હાર ન માની, જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે દિલ્હીના આરવ વત્સે. કારણ કે જે ઉંમરમાં બાળકો મિત્રો સાથે રમવામાં મશગૂલ હોય છે, તે ઉંમરે આરવ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો હતો. પરંતુ આ જંગની વચ્ચે પણ તેણે પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. હવે આરવનું પરિણામ જાેઈને પરિવારજનો સહિત સગા-સંબંધીઓ અને શિક્ષકો પણ ચોંકી ગયા છે. આરવે CBSE બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૬.૬% મેળવીને બધાને ચોંકાવી દીધા છે.
આ અંગે આરવના પિતા અજય વત્સ, જેઓ પોતે એક ડોક્ટર છે, તેઓ જણાવે છે કે, વર્ષ ૨૦૨૨માં આરવને કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદ તેના કરોડરજ્જુની મોટી સર્જરી થઈ હતી. લગભગ એક વર્ષ સુધી આરવ ઘર અને હોસ્પિટલ વચ્ચે જ રહ્યો. પરંતુ આરવે હાર ન માની. જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો.
અજય વત્સનું કહેવું છે કે, પરિવારને જરાય આશા નહોતી કે આરવ પરીક્ષામાં પાસ થશે. કારણ કે બીમારી અને સારવારના ભારે બોજની વચ્ચે અભ્યાસ કરવો ખૂબ જ મશ્કેલ હતો. પરંતુ જ્યારે આરવનું પરિણામ આવ્યું, ત્યારે અમારી પાસે શબ્દો જ ન હતા. આરવે પોતાની મહેનતથી અમને બધાને નિ:શબ્દ કરી દીધા છે.
આરવને ગણિત (મેથ્સ)માં ખૂબ જ ઊંડી રુચિ છે. તે ભવિષ્યમાં એસ્ટ્રોફિઝિક્સનો અભ્યાસ કરવા માંગે છે. તેનું સપનું છે કે એક દિવસ તેu ISRO અથવા NASA માં રિસર્ચર તરીકે કામ કરે. ખાલી સમયમાં આરવ પ્રેરણાદાયી મહાપુરુષોની પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. આ વર્ષે CBSE બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામમાં દિલ્હીનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. દિલ્હીની કુલ પાસ ટકાવારી ૯૭.૩૮% રહી છે. પશ્ચિમ દિલ્હી (૯૭.૪૫%) પૂર્વ દિલ્હી (૯૭.૩૩%) કરતાં થોડી આગળ રહી છે. પરંતુ આરવ જેવા વિદ્યાર્થીઓની સફળતાએ આ આંકડાઓને વધુ ગૌરવશાળી બનાવી દીધા છે.





