
ક્રિસ્ટન સ્ટુઅર્ટ સાથે ઇશાન નિર્ણાયકની ભૂમિકા અદા કરશે ફ્રાન્સના પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીમાં સામેલ થયો ઈશાન ક્રિસ્ટન સ્ટુઅર્ટ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભિનેત્રી સાથે જ્યુરીમાં સ્થાન મળવું ઈશાન ખટ્ટર માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે યંગ એરક્ટર ઈશાન ખટ્ટરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ વર્ષની જ્યુરીનું નેતૃત્વ હોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મમેકર ક્રિસ્ટન સ્ટુઅર્ટ કરશે.ફ્રાન્સના સુંદર બાસ્ક કિનારે યોજાયેલા આ છ દિવસના ફિલ્મ મહોત્સવની ભવ્ય શરૂઆત આંતરરાષ્ટ્રીય ફિલ્મી હસ્તીઓ અને યુરોપિયન ફિલ્મકારોની હાજરીમાં થઈ હતી. હાલમાં ચોથી આવૃત્તિમાં પ્રવેશેલા આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ નવા ફિલ્મકારો અને નવી પેઢીની સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક મંચ આપવાનો છે.આ વર્ષની જ્યુરીમાં ઈશાન ખટ્ટર ઉપરાંત કેનેડિયન અભિનેત્રી વિટની પીક, ફ્રેન્ચ અભિનેતા-દિગ્દર્શક રાફાયેલ ક્વેનાર્ડ, ફ્રેન્ચ ફિલ્મમેકર નાથન એમ્બ્રોસિયોની, અભિનેત્રી સુઝી બેમ્બા, ઇટાલિયન ફિલ્મમેકર કેરોલિના કાવલ્લી અને બ્રિટિશ અભિનેત્રી એસ્મે ક્રીડ-માઇલ્સનો પણ સમાવેશ થાય છે.આ વર્ષની જ્યુરીમાં ઈશાન ખટ્ટર એકમાત્ર ભારતીય પ્રતિનિધિ છે. તાજેતરના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં તેના અભિનયને મળેલી પ્રશંસા બાદ વૈશ્વિક ફિલ્મ જગતમાં તેની વધતી ઓળખનું આ વધુ એક મહત્વપૂર્ણ ચરણ માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ઈશાન ઉભરતા ફિલ્મકારોની ફિલ્મોનું મૂલ્યાંકન કરશે અને નવીન વાર્તાઓ તેમજ કન્ટેમ્પરરી સિનેમાને પ્રોત્સાહન આપતી ચર્ચાઓમાં ભાગ લેશે.ક્રિસ્ટન સ્ટુઅર્ટ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભિનેત્રી સાથે જ્યુરીમાં સ્થાન મળવું ઈશાન ખટ્ટર માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ નિમણૂક એ પણ દર્શાવે છે કે ભારતીય કલાકારોને હવે વિશ્વના પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવોમાં વધુને વધુ માન્યતા મળી રહી છે. બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસ ૨૮ જૂન સુધી ચાલશે, જેમાં વિશ્વભરના નવા ફિલ્મકારોની ફિલ્મો, ચર્ચાસત્રો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવ વૈશ્વિક સિનેમાના ભવિષ્યને પ્રોત્સાહન આપવાની સાથે ફિલ્મકારો અને દર્શકો વચ્ચે સાંસ્કૃતિક સંવાદને પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.





