
મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર.સોમનાથ મંદિર પર ગઝનવીએ કરેલા હુમલાને ૧૦૦૦ વર્ષ પૂર્ણ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે.હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. ૧૦૨૬માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની એક હજાર વર્ષની સફર અને તેના પુન:નિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે, આ લેખમાં તેમણે મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન પણ સાધ્યું છે. પીએમ મોદીએ તેમના બ્લોગમાં કહ્યું કે, ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ શરુ થયું. ૧૯૪૭માં દિવાળી દરમિયાન સોમનાથની મુલાકાતે ગયેલા સરદાર પટેલ ત્યાંની સ્થિતિ જાેઈ વ્યથિત થયા હતા અને તે જ ક્ષણે તેમણે મંદિરના પુન:નિર્માણનો મક્કમ નિર્ધાર કર્યો હતો. તેમના આ સંકલ્પના પરિણામે ૧૧ મે, ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.
આ અંગે પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, સોમનાથ મંદિરના લોકાર્પણનો ઐતિહાસિક દિવસ જાેવા માટે સરદાર પટેલ હયાત નહોતા, પરંતુ તેમનું સ્વપ્ન ચોક્કસ સાકાર થયું હતું. જાેકે, તત્કાલીન પીએમ નહેરુ આ આયોજનથી ખુશ નહોતા અને રાષ્ટ્રપતિ કે મંત્રીઓ આ સમારોહમાં હાજરી આપે તેની વિરુદ્ધમાં હતા. નહેરુને ડર હતો કે આનાથી ભારતની છબી ખરાબ થશે, પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પોતાના ર્નિણય પર મક્કમ રહ્યા અને એક નવો ઇતિહાસ રચાયો.
કે. એમ. મુનશીજીના અમૂલ્ય પ્રદાનના સ્મરણ વિના સોમનાથ મંદિરનો ઇતિહાસ સદાય અધૂરો રહેશે. તેમણે તે કાળે સરદાર પટેલના ખભેખભો મિલાવીને ટેકો આપ્યો હતો. સોમનાથ વિશેનું તેમનું પુસ્તક સોમનાથ, ધ શ્રાઇન ઇટરનલ વાચકો માટે માર્ગદર્શક સમાન છે. આ શીર્ષક જ સૂચવે છે કે આપણે એ સભ્યતાના વારસદારો છીએ જે આત્મા અને વિચારોની અવિનાશી શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક:ના મંત્રને સાર્થક કરતાં સોમનાથનું બાહ્ય માળખું ભલે ખંડિત થયું, પરંતુ તેની દિવ્ય ચેતના સદાય અજેય રહી છે.
આજે વિશ્વ ભારતને એક નવી આશા તરીકે નિહાળી રહ્યું છે. આ જ ઉમદા વિચારોએ આપણને દરેક મુશ્કેલ સમયમાં ફરી બેઠા થવાનું અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધવાનું સામર્થ્ય પૂરું પાડ્યું છે. આપણા મૂલ્યો અને પ્રજાના મક્કમ સંકલ્પને કારણે જ ભારત આજે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વૈશ્વિક સમુદાય આપણા સર્જનાત્મક યુવાનો અને તેમની ક્ષમતા પર વિશ્વાસ મૂકી રહ્યો છે. આપણી કળા, સંગીત અને સંસ્કૃતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે, જ્યારે યોગ અને આયુર્વેદ સમગ્ર વિશ્વને સ્વસ્થ જીવનશૈલીનો માર્ગ બતાવી રહ્યા છે. વર્તમાન વૈશ્વિક પડકારોના ઉકેલ માટે આજે આખી દુનિયા ભારતની સૂઝબૂઝ પર ભરોસો રાખી રહી છે.




