
સ્ટેશનથી ૧૦૦થી ૫૦૦ મીટરના અંતરે પાર્કિંગ સુવિધા.ટ્રાફિક સમસ્યા નિવારવા ૧૪ મેટ્રો સ્ટેશન નજીક ૧૭ નવા પાર્કિંગ પ્લોટ.પાર્કિંગ પ્લોટોને વધુ સુવિધાજનક બનાવવા માટે ત્યાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇન બોર્ડ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ.શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થયા બાદ ધીમે ધીમે મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકોને પાર્કિંગ સુવિધાના અભાવે મેટ્રોમાં મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેને પગલે AMC એ અમદાવાદના ૧૪ મેટ્રો સ્ટેશનો નજીક ૧૭ પાર્કિંગ પ્લોટો બનાવવાનો ર્નિણય લીધો છે. જેના પગલે શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને નિવારી શકાય. મુસાફરોને ફ્રી પાર્કિંગ સાથે CCTV સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે. સાથે દેશમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે PM પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની જનતાને સલાહ આપી છે. ત્યારે હાલમાં મેટ્રોએ લોકો માટે મુસાફરી કરવા માટે સારું માધ્યમ બનતું જઈ રહ્યું છે.
નોકરીયાત વર્ગથી લઈને સૌ કોઈ મેટ્રો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે.
મેટ્રોમાં મુસાફરી કરતા લોકો કેટલાય સમયથી એક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યાં હતા.
મેટ્રો સ્ટેશનો નજીક કોઈ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વાહન પાર્કિંગ અને સાથે રોડ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી હતી. જેને પગલે AMC એ હવે શહેરના ૧૪ મેટ્રો સ્ટેશનો નજીક ૧૭ પાર્કિંગ પ્લોટ બનાવવાનો ર્નિણય કર્યો છે. આ પ્લોટો મેટ્રો સ્ટેશનથી અંદાજે ૧૦૦ મીટરથી લઈને ૫૦૦ મીટરના અંતરે આવેલા છે, જેથી મુસાફરોને વાહન પાર્કિંગમાં સરળતા રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી, વસ્ત્રાલ, થલતેજ, વાસણા AMC, પાલડી અને એપરલ પાર્ક જેવા વિસ્તારોમાં મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગ માટે જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. ખાસ કરીને સાબરમતી મેટ્રો સ્ટેશન નજીક માત્ર ૧૨૦ મીટરના અંતરે અને પાલડી તથા એપરલ પાર્ક સ્ટેશનથી અંદાજે ૧૦૦ મીટર દૂર પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોકો વધુ પ્રમાણમાં મેટ્રો સેવા અપનાવે તે માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. આ પાર્કિંગ પ્લોટોને વધુ સુવિધાજનક બનાવવા માટે ત્યાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇન બોર્ડ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. જેથી વાહનચાલકો સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પોતાના વાહનો પાર્ક કરી શકે.
આ ૧૪ મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગની વ્યવસ્થા
વસ્ત્રાલ ગામ
નિરાંત ક્રોસ રોડ
એપેરલ પાર્ક (સ્ટેશનથી ૧૦૦ મીટર દૂર)
થલતેજ
થલતેજ ગામ
APMCમાર્કેટ (વાસણા)
SP સ્ટેડિયમ
પાલડી (સ્ટેશનથી ૧૦૦ મીટર દૂર)
ગાંધીગ્રામ
વિજયનગર
વાડજ
રાણીપ
સાબરમતી (સ્ટેશનથી ૧૨૦ મીટર દૂર)
મોટેરા સ્ટેડિયમ





