
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર નીકળેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત 26 તારીખે સાંજે જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખંભાળિયાવાસીઓને અને દ્વારકા જિલ્લાના તમામ લોકોને હું આહવાન કરું છું કે આ સભામાં આપ સૌ પધારો. ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેમ કે ભાવ નથી મળતા, સારી વ્યવસ્થા નથી, પશુપાલકોના પણ અનેક મુદ્દાઓ છે, ડેરી સંઘ નથી, ઉભા પાકમાં હાઈ ટેન્શન લાઈનો નાખવામાં આવે છે, પવનચક્કીઓના મુદ્દાઓ છે, એપીએમસીઓમાં કડદા થાય છે. આવા તમામ મુદ્દાઓને લઈને હું જામખંભાળિયાના ભાણખોખરીના ભાટિયા પાસે હું આવી રહ્યો છું.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સભામાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પણ પધારી રહ્યા છે. તો 26 તારીખે સાંજે 6 વાગે મોટી સંખ્યામાં લોકોને પધારવા હું આમંત્રણ પાઠવું છું. પ્રવીણભાઈ રામ 108 દિવસ જેલમાં રહ્યા છે, તો આવતીકાલે તેમનું સન્માન પણ કરવામાં આવશે. દરેક ખેડૂતોના મુદ્દાઓ આપણે આ સભામાં ઉઠાવવાના છીએ તો મારી અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો આ સભામાં હાજરી આપે.




