
વિલંબ સામે જનતામાં રોષ.શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે ૩૦ કરોડ મંજૂર.અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર વાવાઝોડાને કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થયું હતું.મે ૨૦૨૧માં ત્રાટકેલા વિનાશક તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે તબાહી મચાવી હતી, તેના નિશાન આજે પણ વર્તાય છે.
ખાસ કરીને અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર વાવાઝોડાને કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થયું હતું, જેના પરિણામે ૩-ફેઝ વીજ પુરવઠો સાવ ખોરવાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, લોકોની પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળી માટે સરકારને જાગતા આશરે ૫ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે.
તાજેતરમાં જ રાજ્ય સરકારે શિયાળબેટમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રૂ. ૩૦.૧૪ કરોડની રકમ મંજૂર કરી છે. જાેકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે અનેક રજૂઆતો પછી પણ જે કામ ન થયું, તે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની તૈયારીઓ વચ્ચે અચાનક કેવી રીતે શક્ય બન્યું? ૧૯૯૮ પછીના સૌથી મજબૂત ગણાતા તાઉતે વાવાઝોડા બાદ શિયાળબેટના માછીમારો અને ગ્રામજનો અંધકારમય સ્થિતિમાં જીવવા મજબૂર હતા.
એક તરફ ભાજપના કાર્યકરો અને સમર્થકો આ ર્નિણય બદલ ઉર્જા મંત્રી અને સ્થાનિક ધારાસભ્યનો આભાર માની રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતામાં ભારે કચવાટ જાેવા મળી રહ્યો છે. કેટલાકનું કહેવું છે કે, જે સુવિધા યુદ્ધના ધોરણે મળવી જાેઈતી હતી, તેના માટે વર્ષો સુધી રાહ જાેવડાવવી તે વરવી વાસ્તવિકતા છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શિયાળબેટ ટાપુને સ્થિર ૩-ફેઝ વીજ પુરવઠો મળતો થશે. આ સુવિધાથી માત્ર માછીમારી ઉદ્યોગને જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને દૈનિક જીવનસ્તરમાં પણ મોટો સુધારો આવશે તેવી આશા સેવાઈ રહી છે. હવે જાેવાનું એ રહે છે કે આ મંજૂર થયેલી રકમથી કામ કેટલી ઝડપે પૂર્ણ થાય છે.




