
ખેડૂતો બેરલો ભરીને ડીઝલ લઈ ગયા વડિયા શહેરમાં ઈરાક-ઈઝરાયેલ યુદ્ધના નામે પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની ફેલાઈ અફવા આ અફવાને કારણે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર જાેતજાેતામાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી
અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં આજે અચાનક પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી અફવા ફેલાતા ગભરાટભર્યો માહોલ સર્જાયો હતો. ઈરાક અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની ભીતિને પગલે ભવિષ્યમાં ઈંધણની તંગી સર્જાશે તેવી વાતો સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થતા જ લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ તરફ દોડી આવ્યા હતા. આ અફવાને કારણે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર જાેતજાેતામાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
અફવા એટલી જાેરદાર હતી કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ખેતીની સીઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતોમાં ભારે ચિંતા જાેવા મળી હતી. અનેક ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આવ્યા હતા અને મોટા બેરલોમાં ડીઝલ ભરાવીને લઈ જતા નજરે પડ્યા હતા. સામાન્ય વાહનચાલકો પણ પોતાની ટાંકીઓ ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા હતા, જેના કારણે પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ હતી.
જાેકે, વહીવટી તંત્ર અને જાણકારોના મતે આ માત્ર એક અફવા છે અને ઈંધણના પુરવઠામાં હાલ કોઈ વિક્ષેપ નથી. અફવાઓને કારણે ઉભી થયેલી આ બિનજરૂરી ભીડને લીધે પંપ સંચાલકોને પણ વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હતી. તંત્ર દ્વારા લોકોને આવી પાયાવિહોણી વાતો પર વિશ્વાસ ન કરવા અને ગભરાટમાં આવીને ઈંધણનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.




