
ભારત એક ગાથા’ થીમ સાથે શુભારંભ.ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી.આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે.આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા.
આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત, યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે. જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે.
વધુમાં, ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે.આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે.જનભાગીદારીથી આયોજિત આ ફ્લાવર શૉમાં ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ આયોજનમાં ભાગીદાર બન્યા છે.
આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, અમદાવાદના ધારાસભ્યો સવર્શ્રી અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કોર્પોરેટ એકમોના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




