(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
સુરત મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચાર હવે જાણે કે શિષ્ટાચાર બની ગયો હોય એમ ખુલ્લે આમ કાર્યપાલક ઈજનેરો SMC ના કામનો કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો પાસે જ્યારે એક IAS અધિકારીના નામે પણ ટકાવારીની માંગણી કરતા હોય ત્યારે આનાથી ગંભીર અને ભ્રષ્ટાચારના નમૂના જેવી બીજી કઈ ઘટના હોઈ શકે? અત્યાર સુધી આપણે સાંભળતા પણ આવ્યા છીએ અને ખુલ્લે આમ ચર્ચાઓ પણ થતી હોય છે કે SMC માં કોઈ પણ કામનો કોન્ટ્રાક્ટ રાખવો હોય તો કોન્ટ્રાક્ટરોએ ટોટલ રકમની અમુક નક્કી કરેલી ટકાવારીની રકમ ચૂંટાયેલા જે તે સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓને પ્રસાદ રૂપે આપવી પડતી હોય છે.
પરંતુ હવે જ્યારે આ ટકાવારીનો છેડો છેક IAS જેવા ઉચ્ચ અધિકારી સુધી પહોંચી ગયો છે, ત્યારે દાલ મે કુછ કાલા નહિ પણ આખે આખી દાળ જ કાળી છે. એમ સ્વાભાવિક પણે લાગ્યા વગર રહે જ નહિ. અહીં પણ જ્યારે સુરત મ્યુ.કમિશનર રાજકુમાર બેનીવાલ જેવા ઉચ્ચ અધિકારીના નાક નીચે જો આ પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યારે સુરત મહાનગર પાલિકાના એ ઈજનેર અને એણે જે IAS અધિકારી માટે જે કોન્ટ્રાક્ટરો પાસે ટકાવારી માંગી એમની SMC વિજીલન્સ જ નહિ પરંતુ સ્ટેટ વિજિલન્સ દ્વારા પણ ખૂબ જ ઊંડાણ થી તપાસ કરવી જરૂરી છે. કારણ કે શહેરમાં જે રોડ, રસ્તા, તૂટેલા ગટરના ઢાંકણાં, ઉભરાતી ગટરો અને ઠેર ઠેર ગંદકીના દેખાતા થર નું મૂળ આ ટકાવારીની ચાલતી માયાજાળમાં છે. જેવા દામ એવું કામ એ નાતે કોન્ટ્રાક્ટરો ની આ પ્રકારની કામગીરી એ ટકાવારી નો નમૂનો જ છે.
આમ તો ઉચ્ચ અધિકારીઓ જેવા કે ડે.મ્યુ.કમિશનર જેવા IAS અધિકારીઓ ક્યારેય આ પ્રકારની ભાગબટાઈ જેવી ટકાવારી થી પોતાને દૂર રાખી ને એમાં ખાસ પડતા હોતા નથી. ત્યારે અહીં જે કાર્યપાલક ઈજનેરે જે IAS અધિકારી માટેની ટકાવારી ની વાત કરી એ બાબત થી ખરેખર IAS અધિકારી અજાણ છે કે પછી અજાણ હોવાનો દાવો કરી છટકી જવાની વાત કરે છે? ઉપરાંત જે કાર્યપાલક ઈજનેરે ટકાવારીની વાત કરી એ ખરેખર IAS માટે હતી કે ઈજનેરે પોતાના રોટલા શેકવા IAS ના નામનો ઉપયોગ કર્યો એની પણ તપાસ કરાવવી જોઈએ જેથી પ્રજાને સત્ય હકીકતનો ખ્યાલ આવે કે સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર નીચેથી ઉપર સુધી કેટલો વકરેલો છે. એનો આ બોલતો પુરાવો છે.
અને આમ પણ સામાન્ય રીતે સુરત મહાનગરપાલિકામાં કોઈ નાના કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં પહેલા જ લખવામાં આવે છે કે તમારા વર્તનથી સુરત મહાનગરપાલિકાની છબી ને નુકશાન પહોંચેલ છે ત્યારે એક કાર્યપાલક ઇજનેર IAS અધિકારીને સાચવવા કોન્ટ્રાકટરો પાસે નાણાકીય માંગણીથી સુરત મહાનગરપાલિકાની છબીને નુકશાન નથી પહોંચતું? સુરત મહાનગરપાલિકાના કમિશ્નર આ બાબતને ગંભીરતાથી લઈ ન્યાય કરાવશે ખરા?




