આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન સામે તીવ્ર વિરોધ દર્શાવતા તેને ગુજરાતની સરકારી શાળાના બાળકો અને વાલીઓનું ઘોર અપમાન ગણાવ્યું છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષમાં સરકારી શાળાઓને બરબાદ કરીને ભાજપના નેતાઓએ પોતાની ખાનગી સ્કૂલો ચાલુ કરી દીધી છે. રાજ્યમાં એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત શાળાઓની પોલ ખુલવાના ડરથી સરકારે આ કાળો પરિપત્ર બહાર પાડ્યો છે.
તેમણે દિલ્હીની સરકારી શાળાઓનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યા અંકિત કેજરીવાલે દિલ્હીની શાળાઓ વર્લ્ડ ક્લાસ બનાવીને આખી દુનિયાને બતાવી, ત્યાં ભાજપ સરકાર ગુજરાતની શાળાઓની બદહાલ સ્થિતિને ઢાંકી રહી છે. પોતાની લૂંટ અને ગેરરીતિઓ છુપાવવા માટે જ સરકારે દેશમાં કોઈ ઇમર્જન્સી ન હોવા છતાં આ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગઢવીએ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો સરકારમાં તાકાત હોય તો સરકારી શાળામાં પ્રવેશ રોકવાનો કાયદો બનાવીને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂર કરાવી બતાવે.
આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે શાળાઓની વાસ્તવિકતા અને ખામીઓ છુપાવવા માટે જ વાલીઓ તેમજ યુવાનો સામે POCSO જેવી ગંભીર કલમોની ધમકીઓ આપવામાં આવી રહી છે. અંતમાં, તેમણે આહ્વાન કર્યું હતું કે ભાજપ સરકારની આ પોલ ખોલવા માટે ગુજરાતની સમગ્ર જનતા, વાલીઓ અને યુવાનોએ સોશિયલ મીડિયા પર એક થઈને અવાજ ઉઠાવવો પડશે.




