લોકસભાની ચૂંટણી ગુજરાતમાં એકતરફી બની ગઈ હતી. સુરતની બેઠક ભાજપે બિનહરિફ જીતી લીધી હતી. જ્યારે ભાજપનો ગઢ બની ગયેલા દક્ષિણ ગુજરાતમાં બારડોલી સહિતની આદિવાસી પટ્ટાની બેઠક પર કોંગ્રેસને સારા દેખાવની આશા હતી. જો કે, આ આશા નિરાશામાં તબદીલ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે.
ઈવીએમમાંથી કોંગ્રેસ માટે નિરાશા નીકળી
બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસને ઘણી આશા હતી. જો કે, શહેરી મતદારોની સાથે સાથે પ્રચાર ન કરી શકેલી કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારના મતોમાં પણ ગાબડાં દેખાયા છે. નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ લડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારનો અહિં કોઈ ગજ વાગતો દેખાતો નથી. વલસાડ બેઠક પર કોંગ્રેસના અનંત પટેલને આંદોલનોથી જીત મળે તેવી શક્યતા હતી. પરંતુ ત્યાં પણ ભાજપ જીતતું દેખાઈ રહ્યું છે.
દમણ દીવ બેઠક પર અપક્ષ આગળ
કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દમણ-દીવની બેઠક દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી લંબાય છે. ત્યારે આ બેઠક પર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ 5500થી વધુ મતથી લીડ મેળવીને આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ભાજપના ઉમેદવાર તેનાથી પાછળ ચાલી રહ્યાં છે. જો કે, પ્રાથમિક ગણતરી પછી આ પાતળી સરસાઈ તૂટી જાય તેવી આશા ભાજપના ઉમેદવાર સેવી રહ્યાં છે.