
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ.તેમણે વધુ જણાવ્યું કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ગોટાળો થયાનો આરોપ લગાવીને છ મહિના સુધી જેલમાં રાખતી રહી. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય પાંચ મહત્ત્વના નેતાઓને પણ જેલમાં મુકવામાં આવ્યા. આ પ્રયાસો સાબિત કરે છે કે કેવી રીતે ભાજપની સરકાર પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી શકે છે, પરંતુ આજે સાબિત થયું છે કે સત્યની હંમેશા જીત થાય છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે આ મામલામાં એક પણ પુરાવો આક્ષેપોને સાબિત કરવા માટે ઉપલબ્ધ નથી. ચૈતર વસાવાએ કહ્યું કે દેશની જનતા જોઈ રહી છે કે સત્યને અસ્થિર કરવામાં આવવા છતાં પણ સત્યની જીત થાય છે. આજે આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ, અને તેમના નેતાઓની ઈમાનદારી સાબિત થઈ છે. કોર્ટના નિર્ણયને ગુજરાતના દરેક કાર્યકરોએ હર્ષભેર સ્વીકાર્યું છે. કાર્યક્રમોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ચૈતર વસાવાએ કહ્યું કે આવનાર દિવસોમાં લોકોની વચ્ચે સત્યના આ પ્રતીક અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરાતા ગોટાળાઓને ખુલ્લા પાડવામાં આવશે.




