
ખેતરમાંથી નીકળવા લાગ્યું ક્રૂડ ઓઇલ રાજસ્થાનના બાડમેરમાં અચાનક ફાટી જમીન કૌખેડા ગામમાં આવેલ ઓઈલ ફિલ્ડ પાસે લગભગ ૪૦ કલાકથી ઓઈલ નીકળી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો રાજસ્થાનના બાડમેરના કૌખેડા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી ક્રૂડ ઓઇલ લીક થતાં ભારે સનસનાટી મચી ગઈ. છેલ્લા ૪૦ કલાકથી ખેતરમાંથી ક્રૂડ ઓઇલ નીકળી રહ્યું છે. નજીકમાં જ એક ઓઇલ ફીલ્ડ પણ આવેલી છે. આ ઘટના બાદ ઓઇલ ફીલ્ડના કામદારો ખાડો ખોદીને ટેન્કરો ભરી ભરીને તેલ કાઢી રહ્યા છે.
કંપનીના અધિકારીઓ કહે છે કે તેઓ લીકેજના સોર્શની તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ઉકેલ શોધવાની આશા છે. દરમિયાન ખેતરના માલિક અને ખેડૂતોનું કહેવું છે કે તેલ ફીલ્ડમાંથી જ્વલનશીલ ગેસ નીકળી રહ્યો છે અને ટ્યુબવેલમાંથી પણ પાણીમાં મિશ્રિત ક્રૂડ ઓઇલ લીક થઈ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓને ક્રૂડ ઓઇલ મિશ્રિત પાણી પીવાની ફરજ પડી રહી છે.
કંપનીના કર્મચારીઓ રાત્રે ક્રૂડ ઓઇલમાંથી દબાણ ઉત્પન્ન કરવા માટે વિસ્ફોટ કરે છે. આનાથી આસપાસના ઘરોમાં તિરાડો પડી રહી છે અને ગામના ઘણા ઘરોને નુકસાન થઈ રહ્યું છે.
ત્રણ દિવસથી આવી પરિસ્થિતિ છે. ખેતરોમાંથી ક્રૂડ તેલ સતત લીક થઈ રહ્યું છે. કંપનીના કર્મચારીઓને પણ ખબર નથી કે ક્રૂડ ઓઈલ ક્યાંથી લીક થઈ રહ્યું છે. કંપનીના કર્મચારીઓ કહે છે કે તેઓ તપાસ કરી રહ્યા છે, પરંતુ જાે આ જ દરે ખેતરોમાંથી ક્રૂડ ઓઈલ લીક થતું રહેશે, તો જમીન ઉજ્જડ થઈ જશે.
આ ઘટના અંગે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઐશ્વર્યા વેલપેડ-૮ નજીક પ્રવાહી લીકેજ થયું હતું અને તે મર્યાદિત વિસ્તાર સુધી સીમિત હતું.
જાહેર સલામતીને ધ્યાને લેતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. અમારી ટેકનિકલ અને ઓપરેશનલ ટીમો લીકેજના કારણની તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી પ્રવાહી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.




