
સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપેલા નિર્દેશમાં કહ્યું છે કે સોમનાથ મંદિરને અતિક્રમણથી બચાવવા માટે બનાવવામાં આવી રહેલી દિવાલની ઊંચાઈ પાંચથી છ ફૂટથી વધુ ન હોવી જોઈએ. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે એક અરજી પર આ નિર્દેશ આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર મંદિર સંકુલની આસપાસ ઊંચી દિવાલ બનાવી રહી છે.
બેન્ચે કહ્યું, ‘૧૨ ફૂટની દિવાલ ના બનાવો, જો તમે પરિસરને અતિક્રમણથી બચાવવા માંગતા હોવ તો પાંચ કે છ ફૂટ ઊંચી દિવાલ પૂરતી છે.’ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદારના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે ‘અમે એવો કિલ્લો નથી બનાવી રહ્યા કે તેમાં કોઈ પ્રવેશી ન શકે.’ આ ફક્ત ગેરકાયદેસર અતિક્રમણ ટાળવા માટે છે. આ પછી, જસ્ટિસ ગવઈએ જિલ્લા મેજિસ્ટ્રેટને તેનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો.

અરજદારના વકીલ સંજય હેગડેએ દાવો કર્યો હતો કે દિવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, ગુજરાત સરકારે આ દાવાને નકારી કાઢ્યો હતો. આ પછી, સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 20 મે સુધી મુલતવી રાખી. કોર્ટે એમ પણ કહ્યું કે જો સરકાર કોઈ બાંધકામ કાર્ય હાથ ધરે છે તો અરજદારો કોર્ટમાં અપીલ કરી શકે છે.




