
રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે.
એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ સેવા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડીલીવરી આપવામાં આવશે.
આ પ્રોજેકટ હેઠળ મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર-ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સિસ્ટમ પર બસ ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે. મુસાફર ઓનલાઈન એડવાન્સમાં તેમજ મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે. આ સુવિધાઓ પૂરી પાડવા માટે એસ.ટી નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બિડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહિ તેમજ બસમાં ફૂડ આપવામાં અનિયમિતતા અને સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.




