
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પધાર્યા હતા અને તેમણે ખૂબ જ સારી પ્રાકૃતિક ખેતીની વાત કરી. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા, જૈવિક ખેતીથી થતા નુકસાન, કેમિકલયુક્ત ખેતીથી થતા નુકસાન જણાવ્યા અને પોતાનો અનુભવ શેર કર્યો તેનાથી અમને ખૂબ જ ખુશી થઈ. તો રાજ્યપાલ ખેડૂતો માટે આટલું વિચારે છે પણ શું સરકાર આટલું વિચારે છે? આજે મારો ખેતી મુદ્દે સવાલ હતો કે બે વર્ષમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધનો કરવામાં આવ્યા તેના આધારે તેમણે રાજ્ય સરકારને કેટલા સૂચનો કર્યા? જવાબ મળ્યો કે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 73 ભલામણ કરવામાં આવી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 71 ભલામણ કરવામાં આવી. સરકારને કુલ લગભગ 150 ભલામણો કૃષિ વૈજ્ઞાનિકોએ આપી તો મારો સવાલ હતો કે શું સરકારે આ ભલામણ લાગુ કરી? તો સરકારે મને ગોળ ગોળ કરીને જવાબ આપ્યો.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે સરકારે ગોળગોળ જવાબ આપતા કહ્યું કે આ ભલામણો મળી અને તેની અંગ્રેજીમાં પુસ્તિકા બનાવી. તો મને એ જણાવો કે કયા ખેડૂતો અંગ્રેજીની ચોપડીઓ વાંચી શકે છે? પછી સરકારે જણાવ્યું કે “ડિજિટલ માધ્યમથી યુનિવર્સિટીએ જે ભલામણો આપી તેનાથી ખેડૂતોને માહિતગાર કર્યા” મારું એટલું જ કહેવું છે કે ખેડૂતોને બધી માહિતી છે, પરંતુ સરકારને કંઈ ખબર પડતી નથી. ખેડૂતોને માહિતી નહીં પરંતુ તમારે ખેડૂતોને સહાય, મદદ, હક અને અધિકાર આપવાનો છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરીને ખૂબ જ નવી નવી બાબતોનું સંશોધન કરીને આવે છે પરંતુ અહીંયા ખેડૂતોના મસીહા બનવા નીકળેલી ભાજપ સરકાર ભલામણો માનવાના બદલે પ્રચાર પ્રસાર અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરે છે. આજે વિધાનસભામાં રાજ્યપાલના નેતૃત્વમાં એક સરસ કાર્યક્રમ થયો અને એ કાર્યક્રમમાં જોડાયેલ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ભલામણ સરકાર માનવા તૈયાર નથી, તો પછી આવા કાર્યક્રમનો અર્થ શું? તો રાજ્યની જનતાને હું કહેવા માંગીશ કે ખેડૂતોના મસિહા બનવાની ખોટી જાહેરાતો કરવાવાળા ભાજપથી સાવધાન રહેજો.




