
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની પ્રશ્નોતરી મામલે મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે મારા મતવિસ્તાર વિસાવદર–ભેસાણ–જૂનાગઢ તેમજ સમગ્ર ગુજરાતને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રશ્ન ક્રમાંક 17 હેઠળ તેમણે ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે સરપંચ તથા વોર્ડ સભ્યોની કેટલી જગ્યાઓ ખાલી છે તે અંગે માહિતી માગી હતી. સરકારે આપેલા જવાબ મુજબ જૂનાગઢ જિલ્લામાં જુનાગઢ તાલુકામાં એક, માળિયા હાટીનામાં બે, વંથલીમાં એક, જ્યારે ભાવનગર જિલ્લાના જેસર અને શિહોર તાલુકામાં એક-એક સરપંચની જગ્યા ખાલી છે. આ રીતે બંને જિલ્લામાં મળીને ચાર સરપંચોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. અનેક વખત ચૂંટણી અને પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હોવા છતાં ઉમેદવારો ન મળતા આ જગ્યાઓ ભરાઈ શકી નથી. જુનાગઢ તાલુકામાં 21, માંગરોળમાં 5, વિસાવદરમાં 21 અને ભેસાણમાં 12 વોર્ડ સભ્યોની જગ્યાઓ ખાલી છે. કુલ મળીને જુનાગઢ જિલ્લામાં અંદાજે 85 જેટલી ગ્રામ પંચાયત સભ્યોની જગ્યાઓ ખાલી છે. ભાવનગર જિલ્લામાં પણ આશરે 212 જેટલી વોર્ડ સભ્યોની જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આમ, માત્ર બે જિલ્લામાં જ સરપંચ અને સભ્યો મળી લગભગ 300 જેટલી જગ્યાઓ વર્ષોથી ખાલી છે. ગોપાલ ઇટાલિયાએ આ પરિસ્થિતિ માટે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે મતદાર યાદીમાં ગેરરીતિઓ અને અનામત પ્રણાલીના ખોટા અમલને કારણે અનેક ગામોમાં અનામત સીટો માટે યોગ્ય કેટેગરીના ઉમેદવારો જ ઉપલબ્ધ નથી. કેટલીક જગ્યાએ SC, ST અથવા OBC માટે સીટ અનામત થાય છે, પરંતુ તે ગામોમાં તે વર્ગની વસ્તી ન હોવાને કારણે ઉમેદવાર મળતા નથી. પરિણામે વારંવાર ચૂંટણી જાહેર થવા છતાં ફોર્મ ભરાતા નથી અને સીટો ખાલી જ રહે છે. સરપંચ અને સભ્યો ન હોવાના કારણે ગ્રામ પંચાયતોને મળતી સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી અને વિકાસકાર્યો અટવાઈ જાય છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સહિત વિવિધ આરોગ્ય યોજનાઓની મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ તેની વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવા માટે તેમણે પ્રશ્ન પુછ્યો હતો. સરકારના જવાબ મુજબ માત્ર સુરત અને રાજકોટ શહેરોમાં છેલ્લા બે વર્ષમાં આશરે 1,712 કરોડ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે આટલી મોટી રકમ જો સરકારી હોસ્પિટલો બનાવવા પાછળ ખર્ચવામાં આવી હોત, તો લોકો માટે કાયમી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા ઉભી કરી શકાઈ હોત. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે દિલ્હીમાં અને પંજાબમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે પ્રાઇવેટ હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલ મજબૂત બનાવી, સ્ટાફની ભરતી કરી અને મફત સારવારની સુવિધા ઉપલબ્ધ કરી. તેમણે આક્ષેપ કર્યો કે 1,712 કરોડ રૂપિયામાં ઓછામાં ઓછા 100 કરોડના ખર્ચે અનેક આધુનિક સરકારી હોસ્પિટલ ઉભી કરી શકાત, તેમજ તાલુકા સ્તરે શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો વિકસાવી શકાતા. તેમણે દાવો કર્યો કે જો અમદાવાદ, વડોદરા, ભાવનગર અને જામનગર સહિતના અન્ય શહેરોના આંકડા જોડવામાં આવે તો પ્રાઇવેટ હોસ્પિટલને ચૂકવાયેલી રકમ દાયકાઓમાં હજારો કરોડ સુધી પહોંચી શકે છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે બીજો મારો પ્રશ્ન એ હતો કે અદાણી કંપની અને એસ્સાર કંપની પાસેથી સરકાર વીજળી ખરીદે છે. તો આ વીજળી ખરીદવાના એગ્રીમેન્ટ શું છે, વીજળીના ભાવમાં કેટલો વધારો આવ્યો છે અને સરકારે કેટલી વીજળી ખરીદી છે તે અંગે મેં પ્રશ્ન પૂછ્યો હતો. કારણ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે દેશના ઇતિહાસમાં પહેલી વાર 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની શરૂઆત કરી. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માનની સરકાર હાલમાં પણ 300 યુનિટ વીજળી મફત આપે છે. જ્યારે ગુજરાતમાં લોકો પાસેથી વધારે વસૂલાત કરવામાં આવે છે અને હજુ પણ વીજળીના દરમાં વધારો થવાનો છે. સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે મોટાં બિલ આવવાની ભીતિ છે. આ બધાં વીજળીના પૈસા કોના ખિસ્સામાં જાય છે? તેનો જવાબ આજે સરકારે વિધાનસભામાં આપ્યો કે છેલ્લા બે વર્ષમાં અદાણી કંપની પાસેથી આશરે 15,000 કરોડ રૂપિયાની વીજળી ખરીદવામાં આવી છે. સરકાર પાસે પોતાના વીજ ઉત્પાદનના પ્લાન્ટ છે. વિવિધ થર્મલ પાવર પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ અને અન્ય સંસ્થાઓ પણ છે. છતાં સરકાર પોતાના ઉત્પાદન કેન્દ્રોને અવગણીને ખાનગી કંપનીઓ પર નિર્ભર બની રહી છે. સરકાર પહેલાં ખાનગી કંપનીઓને સબસિડી આપે છે, ત્યારબાદ એ કંપનીઓ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી મોંઘા ભાવે ખરીદે છે અને પછી એ જ વીજળી જનતાને વધુ દરે વેચે છે. પરિણામે કંપનીઓ અને ભાજપના માણસોને લાભ થાય છે અને સામાન્ય જનતાની કમર તૂટે છે.




