
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલે મહત્વપૂર્ણ મુદ્દા પર સમેગા, માણાવદર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જીગીશાબેન પર કરવામાં આવેલ હુમલો પૂર્વઆયોજિત કાવતરૂ હતુ. સાથે સાથે તેમણે કહ્યું કે પાયલબેન ગોટીનું રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર પોલીસ લુખ્ખા તત્વોનું સરઘસ ક્યારે કાઢશે? બહેનો અને દીકરીઓની સુરક્ષાની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં ધોળા દિવસે જીગીશાબેન જેવી કેટલીય બહેનો પર હુમલા થાય છે, અત્યાચાર થાય છે. હમણાં જ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે એક વર્ષમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલી ફરિયાદો નોંધાઈ છે અને એમાંથી કેટલાં કેસોમાં આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યા છે? બહુ આશ્ચર્ય થાય છે કે કહેવાતા “સુરક્ષિત ગુજરાત”માં વાસ્તવિકતા શું છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. જેમાં હું તમને વિગત આપું છું કે જેમાં માત્ર 96 હજાર જેટલી ફરિયાદો થાય છે, એમાંથી માત્ર 200ની આસપાસ વરઘોડા કાઢવામાં આવ્યા છે. બાકીના શું થયું? ત્યાંના જે વરઘોડા કાઢવામાં આવ્યા છે તે કોઈ ગરીબ છે, કોઈ શોષિત છે, કોઈ પીડિત છે કોઈ મોટાં લોકો નથી. જે છ હજાર ફરિયાદોમાંથી વરઘોડા કાઢવામાં આવ્યા નથી, તેમાંના પ્રભાવશાળી લોકો સામે માત્ર કહેવાતી કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ વરઘોડા કાઢવામાં આવ્યા નથી. તો આ સરકાર શું અમીરોની સરકાર છે? ગુંડાઓ કે ગુનેગારોની સરકાર છે?
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે જીગીશાબેન પટેલના મામલામાં હજી સુધી પોલીસે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ હતી તે કરી નથી. ભુપેન્દ્રભાઈ પટેલને હું કહેવા માંગું છું કે તમે માતા-બહેનોની સુરક્ષાની વાત કરો છો. અગાઉ પણ પાયલબેન પાટીદાર દીકરીના મામલે યોગ્ય કાર્યવાહી થઈ નહોતી. આજે જીગીશાબેન પટેલ પણ પાટીદાર સમાજની દીકરી છે. પાટીદાર દીકરીઓ પર અત્યાચાર થાય તો શું ભાજપ પાટીદારોને નફરત કરે છે? જો મુખ્યમંત્રીનું પદ યોગ્ય રીતે સંભાળી ન શકાતું હોય તો રાજીનામું આપવું વધુ યોગ્ય રહેશે. આ બહેનને જો 48 કલાકમાં ન્યાય ન મળે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તમે ખોડિયાર માતા અને ઉમિયા માતાના મંદિરે જાવ છો, પરંતુ એ જ માતાની દીકરીઓને રાજ્યમાં સુરક્ષિત રાખી શકતા નથી, તેની જવાબદારી તમારી છે.આ મામલે અને ખેડૂતોના હક-અધિકાર માટે આવતી 1 તારીખે ગોંડલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હું ગોંડલ અને રાજકોટની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ અન્યાય સામે એક થઈને આ સભામાં જોડાઈએ.
આ તકે હુમલાનો ભોગ બનનાર જીગીશાબેન પટેલે જણાવ્યું હતું કે ગોંડલની અંદર જે કંઈ પણ થયું છે તેની સચ્ચાઈ જનતા સામે છે. જ્યારે રોડ-રસ્તાના પ્રશ્ન માટે લોકો અવાજ ઉઠાવતા હતા, ત્યારે તેઓને બોલાવવામાં આવ્યા હતા.ભલે સામે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય, છતાં લોકોને તેમની પાસે આશા હતી. પરંતુ પ્રશ્નનો ઉકેલ આપવાના બદલે અમારી ઉપર હુમલો કરાવવામાં આવ્યો. આ ઘટનાની અંદર પોલીસે ફરિયાદ તો લીધી છે, પરંતુ નાની-મોટી કલમો લગાવીને મામલો હલકો બનાવવાનો પ્રયાસ થયો છે. જો જીવલેણ હુમલો થયો હોય તો યોગ્ય અને કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી નથી. જીગીશાબેને મીડિયાના માધ્યમથી જણાવ્યું કે ઘટનામાં “લાલ ટોપી પહેરેલો એક છોકરો” સ્પષ્ટ રીતે દેખાય છે, જે ઈશારા કરતો જોવા મળે છે. પોલીસએ તેની ઓળખ કરી છે કે નહીં તેની માહિતી નથી, પરંતુ અમે તેની સોશિયલ મીડિયા આઈડી તપાસી છે. તેમણે કહ્યું કે સંબંધિત વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેના સ્ક્રીનશોટ્સ મીડિયા સમક્ષ મૂકવામાં આવશે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે ગોંડલમાં કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ચૂંટણી સમયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે વપરાતી હોવાના આરોપો અગાઉ પણ ઉઠ્યા હતા. થોડા દિવસો પહેલાં પોલીસે આવી ગાડીઓ સામે ડ્રાઈવ ચલાવી હતી, જેમાં ઘેર-ઘેર જઈને કાળા કાચ ઉતારવા અને ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતુ કે મને રાજ્યના ગૃહમંત્રી પાસે ન્યાયની આશા છે.




