
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી2024 (સોમવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 554 સ્ટેશનોના પુનર્વિકાસ તેમ જ 1500 રોડ ઓવર બ્રિજ/અંડર બ્રિજના શિલાન્યાસ/લોકાર્પણની 41,000 કરોડ રૂપિયાની પરિયોજના દેશને સમર્પિત કરશે. જેમાં અમદાવાદ મંડળના અમદાવાદ સહિત 09 સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ, 19 રોડ અંડરબ્રિજ-અંડરપાસનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.

અમદાવાદ મંડળના 9 સ્ટેશનોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના મેજર અપગ્રેડેશન તેમ જ અમૃત ભારત સ્કીમ હેઠળ 233 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચે મણિનગર, ચાંદલોડિયા, વટવા, સમાખયાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે.

તે સાથે જ ટ્રાફિકની સમસ્યાને પણ હળવી કરવા માટે લગભગ 230 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ મંડળ પર અસારવા, ગોરાઘુમા, ચાંદલોડિયા, વટવા, અંજાર, રતલાન, ભુજ, ધીનોજ, છાપી, કમલી, મહેસાણા, જગુદત, કલોલ, ચાંદખેડા, વિરમગામ, સડલા, બજાણા, જત પિપલી, વસાડવા, ઘનશ્યામ ગઢ, સુખપુર તેમ જ હળવદમાં વિવિધ સ્થળોએ 35 રોડ અંડર બ્રિજના શિલાન્યાસ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે.

રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધાર કરવાના હેતુસર ભારત સરકાર દ્વારા મોડ્યુલર કોન્સેપ્ટ પર વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન બનાવવાની પરિયોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓની જોગવાઇ કરીને ભવ્ય તેમ જ વિશ્વસ્તરીય સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવશે.

સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી પ્રકાશ વ્યવસ્થા વગેરે સુવિધાઓ સામેલ હશે.

ભારતીય રેલ સ્ટેશનોના અભૂતપૂર્વ પરિવર્તન દરેક ભારતીયને ગૌરવ અપાવનારું છે અને જે ઝડપે પરિવર્તન થયું છે, તેનાથી દરેક સહેલાણીને આશ્ચર્યાનંદ થશે. સ્ટેશનો પર યાત્રીઓને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળશે. તો રોડ અંડરબ્રિજ-અંડરપાસ બનવાથી લોકોને રેલવેના પાટા ક્રોસ કરવામાં પણ સગવડ રહેશે.
