(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાતના ૬૦૦ વેપારી સંગઠનોનું નો (NO) UPI નું એલાન દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPI ના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR ના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ થી નવા નિયમો લાગુ થવાના છે. જેમાં પર્સન ટુ પર્સન અને ૨૦૦૦ રૂપિયા સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરંતુ રૂપિયા ૨૦૦૦/- થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર ૦.૪ ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર ૦.૦૨ ટકાનો MDR નક્કી
કરવામાં આવ્યો છે. જેનો વેપારી એસોસિયેશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યના તમામ વેપારીઓ MDR ચાર્જથી મુક્તિ આપવાની માંગ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરશે. રાજ્યના આશરે ૬૦૦ ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાશે. ઓટો મોબાઇલ યુનિયન, મોબાઇલ યુનિયન, ઈલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ,જવેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્ઝેક્શન નહીં સ્વીકારે. એટલું જ નહીં ગાંધી જયંતિના દિવસે જ તમામ વેપારીઓ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકીને માત્ર રોકડથી વ્યાપાર કરશે.
ત્યારે આ વિરોધના દિવસે અંદાજે ૫૦ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની ભીતિ છે. સરકારને UPI પર ચાર્જ લગાવી પૈસા ભેગા કરવા છે. અમને તેનાથી કોઈ વિરોધ નથી. જે નાના-નાના વેપારીઓએ UPI ને સ્વીકારી લીધું છે અને વર્ષોથી એનો ઉપયોગ કરે છે તેમને આમાં સંડોવવા યોગ્ય નથી. જો તમારે પૈસા જ ઉઘરાવવા હોય તો તમે બેંકિંગ સિસ્ટમમાં કોઈ પણ નાની-મોટી પ્રોવિઝન નાખીને ઉઘરાવી શકો છો.




